તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
મહેસાણાના કડીના અણખોલ ગામમાં લેબર કોલોનીમાં નજીવી બાબતનો ઝઘડો જીવલેણ બન્યો :માથાના ભાગે લાકડાનો ફટકો મારતા યુવાનની મોત
ઝઘડા દરમિયાન મામાના દીકરા આકાશ નિશાદે ક્રોધમાં આવી લાકડાનો ફટકો ઇન્દ્રજીતના માથાના ભાગે માર્યો: માથામાં ગંભીર ઈજા થવાને કારણે ઇન્દ્રજીત નિશાદનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ અણખોલ ગામમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક વળાંક લેતા એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ દુર્ઘટના વિસ્તારની દુવા રીસાયકલીંગ કંપનીની લેબર કોલોનીમાં બની હતી, જેણે આસપાસના લોકોમાં ભારે ચકચાર જગાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, લેબર કોલોનીમાં રહેતા કેટલાક શ્રમિકો સાથે બેસીને જમી રહ્યા હતા. આ દરમિયાન જમતી વખતે ગાળો બોલવાની નજીવી બાબતે ઝઘડો શરૂ થયો હતો. મામલો એટલો ગરમાયો કે ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન વચ્ચે-બચાવ કરવા માટે પહોંચેલા ઇન્દ્રજીત નિશાદ નામના યુવક પર હુમલો થયો હતો. ઝઘડા દરમિયાન મામાના દીકરા આકાશ નિશાદે ક્રોધમાં આવીને લાકડાનો ફટકો ઇન્દ્રજીતના માથાના ભાગે માર્યો હતો. માથામાં ગંભીર ઈજા થવાને કારણે ઇન્દ્રજીત નિશાદનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ કડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આકાશ નિશાદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
