<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

બનાસકાંઠા એલસીબી પોલીસને મોટી સફળતા :પાલનપુર હાઇવે વિસ્તારમાંથી મુંબઈના કરોડના હીરા ચોરીનો આરોપીને ઝડપી લીધો

આરોપી પાલનપુર હાઈવે વિસ્તારમાં ક્યાંક છુપાયેલો તેવી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી અને આરોપી દિલીપગર બાબુગર ગૌસ્વામીને ઝડપી પાડ્યો

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં લોજિસ્ટિક કંપનીના માલિકને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાના હીરાની ચોરી કરનાર એક આરોપીને બનાસકાંઠા એલસીબી (LCB) પોલીસે પાલનપુર હાઈવે વિસ્તારમાંથી ઝડપી પાડી આ આખી ઘટનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. આ ચોરીમાં સંડોવાયેલો મુખ્ય માસ્ટર માઈન્ડ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો, જેને શોધી કાઢવા માટે મુંબઈ પોલીસે બનાસકાંઠા પોલીસની મદદ લીધી હતી.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી દિલીપગર બાબુગર ગૌસ્વામી, જે મૂળ બનાસકાંઠાના ડીસા તાલુકાના છત્રાલા ગામનો વતની છે અને હાલ મુંબઈના ભોલેશ્વર વિસ્તારમાં રહે છે, તેણે મુંબઈમાં એક લોજિસ્ટિક કંપનીના માલિક સાથે આશરે રૂ. 3,60,48,683ના હીરાની છેતરપિંડી અને ચોરી આચરી હતી. આટલી મોટી રકમના હીરાની ચોરી થતાં જ મુંબઈમાં ખળભળાટ મચી ગયો હતો અને બાંદ્રા-કુર્લા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો કર્યા બાદ આરોપી દિલીપગર સતત પોતાનું લોકેશન બદલીને ફરાર થઈ ગયો હતો.

 

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી મૂળ ગુજરાતનો હોવાથી તેમણે બનાસકાંઠા એલસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો. બનાસકાંઠા એલસીબીની ટીમે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારો દ્વારા તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં, એલસીબી ટીમને બાતમી મળી હતી કે આરોપી પાલનપુર હાઈવે વિસ્તારમાં ક્યાંક છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને આરોપી દિલીપગર બાબુગર ગૌસ્વામીને ઝડપી પાડ્યો હતો.

 

આરોપીની પૂછપરછમાં તેણે હીરા ચોરીની કબૂલાત કરી હતી. બનાસકાંઠા પોલીસે આ આરોપીને પકડી પાડીને મુંબઈ પોલીસને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. કરોડો રૂપિયાના હીરાની ચોરી જેવા ગંભીર કેસમાં બનાસકાંઠા એલસીબીની આ કામગીરી પ્રશંસનીય રહી છે. પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેથી ચોરી થયેલા હીરા રિકવર કરી શકાય અને આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે.

(7:45 PM IST)