<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

નવસારીમાં ગેરકાયદે ખનન સામે તંત્રની સૌથી મોટી કાર્યવાહી, ખનનકાર નગીન ઓડને ₹8 કરોડથી વધુનો દંડ, લીઝ રદ કરવાની પ્રક્રિયા શરૂ

આમડપોર ગામે ગૌચરની જમીનમાંથી 3 લાખ મેટ્રિક ટન માટી-રેતીનું ઉત્ખનન, CMO સુધી પહોંચેલી ઓનલાઈન ફરિયાદ બાદ પ્રાંત અધિકારી, ભૂસ્તર અને DILRની સંયુક્ત કાર્યવાહી, અન્ય 2 સ્થળે પણ દરોડા

નવસારી, તા. 12  : નવસારી જિલ્લામાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન સામે જિલ્લા વહીવટી તંત્ર અને ભૂસ્તર વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચેલી ઓનલાઈન ફરિયાદના આધારે તંત્ર સક્રિય બનતાં નગીન ઓડ નામના ખનનકારને ₹8 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

નવસારી તાલુકાના આમડપોર ગામે નગીન ઓડ દ્વારા મંજૂર લીઝ વિસ્તારની બહાર સરકારી ગૌચરની જમીન પર મોટા પાયે ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિક જાગૃત નાગરિકોએ સીધી મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓનલાઈન નોંધાવી હતી.

CMOની સૂચના બાદ નવસારી પ્રાંત અધિકારીની ટીમે તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરી હતી, જેમાં ગેરકાયદે ખનનના પુરાવા મળી આવ્યા હતા. ત્યારબાદ ભૂસ્તર વિભાગ અને *DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર)*ની ટીમે સંયુક્ત રીતે સ્થળની માપણી અને ટેકનિકલ તપાસ કરી.

ટેકનિકલ તપાસમાં સામે આવ્યું કે લીઝ વિસ્તારની બહાર આવેલી સરકારી ગૌચરની જમીનમાંથી અંદાજે 3 લાખ મેટ્રિક ટન માટી અને રેતીનું ગેરકાયદેસર ઉત્ખનન કરવામાં આવ્યું હતું. 

આ ગંભીર ગેરરીતિને ધ્યાને લઈ ભૂસ્તર વિભાગે નગીન ઓડ સામે ₹8 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. સાથે જ આમડપોર ખાતે આપવામાં આવેલી ખનનની મૂળ લીઝ રદ કરવા માટે કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરના કડક આદેશ બાદ માત્ર આમડપોર જ નહીં પરંતુ જિલ્લાના અન્ય બે વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં પણ ગેરરીતિઓ સામે આવતાં સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કુદરતી સંપત્તિના ગેરકાયદે શોષણ સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. તંત્રના આ પગલાંથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ચિંતાનો માહોલ છે.

(4:56 PM IST)