તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
સુરતના વરાછા મીની બજાર વિસ્તારમાં કારખાનામાંથી માત્ર 24 મિનિટમાં 80 કેરેટ હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો
કારખાનામાંથી રૂ.7.50 લાખના હીરા ચોરી કરનાર ‘જાડિયો’ મુદ્દામાલ સાથે ઝડપાયો: મૂળ જામનગરના બિપીનભાઈના કારખાનામાંથી ટેબલનું તાળું તોડી 80 કેરેટના હીરાની ચોરી થઇ હતી

સુરતના વરાછા મીની બજાર વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાંથી માત્ર 24 મિનિટમાં રૂ.7.50 લાખના રફ અને તૈયાર હીરાની ચોરી કરી ફરાર થયેલા કુખ્યાત તસ્કરને અશ્વિનીકુમાર પોલીસે ઝડપી પાડી ગુનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીની પાસેથી ચોરી કરાયેલા તમામ 80 કેરેટ હીરા કબજે કરી લીધા છે. આરોપી મધ્યપ્રદેશનો વતની હોવાનું અને તેની સામે સુરત સહિત વિવિધ સ્થળોએ અનેક ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ જામનગરના અને હાલ કામરેજ રોડ વિસ્તારમાં રહેતા બિપીનભાઈ કપુરીયા વરાછા મીની બજાર સ્થિત કોહિનૂર સોસાયટીના મકાન નં.97માં હીરા ઘસવાનું કારખાનું ચલાવે છે. તા. 9 મે, 2026ની રાત્રે કારખાનું બંધ કર્યા બાદ વહેલી સવારે અજાણ્યા તસ્કરે મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઓફિસના ટેબલનું ખાનું તોડી અંદર રાખેલા આશરે 80 કેરેટના રફ તથા તૈયાર નેચરલ હીરા ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ચોરીની જાણ થતાં કારખાનેદારોએ CCTV ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ખભા પર બેગ લટકાવી અને ચહેરા પર બુકાની બાંધેલો શખ્સ સવારે 4:20 વાગ્યે કારખાનામાં પ્રવેશતો અને 4:44 વાગ્યે ચોરીનો માલ લઈને બહાર નીકળતો સ્પષ્ટ દેખાયો હતો. માત્ર 24 મિનિટમાં ચોરીને અંજામ આપનાર આ શાતિર તસ્કરની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી હતી.
અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના PI એચ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI જી.ડી. પરમાર અને તેમની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયભાઈ અને નજુભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વિજય ઉર્ફે જાડિયો દેવચંદ ચંદ્રવંશી (ઉં.વ. 34), હાલ રહે. પલસાણા, મૂળ મધ્યપ્રદેશને ઝડપી લીધો હતો.
તલાશી દરમિયાન આરોપી પાસેથી ચોરી કરાયેલા તમામ 80 કેરેટ રફ અને તૈયાર હીરા, જેની કુલ કિંમત રૂ.7.50 લાખ થાય છે, તે કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વિજય ઉર્ફે જાડિયો રીઢો અને કુખ્યાત ઘરફોડ ચોર છે. તેની સામે સુરતના મહિધરપુરા, વરાછા, ચોકબજાર, કાપોદ્રા સહિત મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના ખારાકુવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના 8થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2025 દરમિયાન તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસનું માનવું છે કે આરોપીની ધરપકડથી અગાઉના અનેક મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવામાં મદદ મળશે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
