તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
બાવળિયા-સોલંકી વચ્ચે કૉલ્ડ વૉરઃ દિલ્હીમાં 7 દિવસના અંતરે કોળી સમાજનાં બે જૂથોએ અલગ અલગ સંમેલનો યોજતા ચકચાર
14મી જૂને કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં અધિવેશન અને 21 જૂને વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં અધિવેશન યોજાશે

: ગુજરાતમાં વગર ચૂંટણીએ કોળી સમાજમાં જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે અને કોળી સમાજનાં બે જૂથોએ અલગ અલગ સંમેલનો યોજતા ભારે ચકચાર જાગી છે. દેશના સૌથી મોટા સામાજિક સંગઠનોમાંના એક અખિલ ભારતીય કોળી સમાજમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવી છે.
હકીકતમાં જૂન મહિનામાં માત્ર સાત દિવસના અંતરે દિલ્હીમાં બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યા છે, જેના કારણે કોળી સમાજમાં અસમંજસ અને રાજકીય ચર્ચાઓનો માહોલ સર્જાયો છે.
નોંધનીય છે કે, 14મી જૂને કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં અધિવેશન અને 21 જૂને વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં અધિવેશન યોજાવાનું છે. ચર્ચા તો એવી પણ છે કે, કુંવરજીભાઈ બાવળિયા અને હીરાભાઈ સોલંકી વચ્ચે કથિત કોલ્ડવોર ચાલી રહી છે. આ કથિત કોલ્ડવોરના ભાગરૂપે દિલ્હીમાં અધિવેશન બોલાવવામાં આવ્યું હોઈ શકે છે.
અખિલ ભારતીય કોળી સમાજના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ દ્વારા 21 જૂન, 2026ના રોજ દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું છે. જોકે આ જાહેરાત બાદ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ 14 જૂન, 2026ના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જાહેરાત કરી છે. સમાજના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે, એક જ સંગઠનના નામે માત્ર એક સપ્તાહના અંતરે બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશનો યોજાશે.
કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે, દેશભરમાં અંદાજે 25 કરોડ જેટલી કોળી જ્ઞાતિની વસ્તી છે અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
