News of Tuesday, 9th June 2026
અમદાવાદના વસ્ત્રાલમાં બેરીકેડ વિના ચાલતા રોડના કામ : શ્યામજી ફાર્મ પાસે તંત્રના પાપે સીટીએમના 76 વર્ષના વડીલની આખી કાર જમીનમાં ખૂંપી ગઈ
મ્યુનિસિપલ તંત્રની કોઈ મદદ ન મળતા તેમણે 2000 રૂપિયાના ખર્ચે ખાનગી ક્રેનથી કાર બહાર કઢાવી:ચોમાસામાં જાનમાલના નુકસાનની ભીતિ સેવીને તંત્ર સમક્ષ ત્વરિત કામ પૂર્ણ કરવા ઓનલાઈન ફરિયાદ કરી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં હાલ ઠેર-ઠેર નવા સીસી રોડ અને લાઈનો નાખવા માટે રોડ બનાવવાના કામો મોટા પાયે ચાલી રહ્યા છે. પરંતુ, આ વિકાસના કામોમાં સ્થાનિક કોન્ટ્રાક્ટરની ઘોર અને ગુનાહિત બેદરકારી સામે આવી રહી છે, જેના કારણે નિર્દોષ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વસ્ત્રાલમાં અનેક જગ્યાએ રસ્તાઓ અચાનક બેસી જવાના કે જમીન ધસી પડવાના ગંભીર બનાવો સતત સામે આવી રહ્યા છે.
આવી જ એક ભયાનક અને ચોંકાવનારી ઘટના વસ્ત્રાલના શ્યામજી ફાર્મની બિલકુલ પાસે ઘટી હતી. જ્યાં રોડના ચાલતા કામ દરમિયાન અચાનક એક આખી મોટરકાર ગંભીર રીતે માટીમાં ખૂંપી ગઈ હતી. કોઈપણ જાતના બેરિકેડ કે રાત્રે દેખાય તેવા દિશા સૂચક બોર્ડ લગાવ્યા વિના અત્યંત બેજવાબદારીપૂર્વક કામ ચાલતું હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.
આ ગંભીર અને જોખમી દુર્ઘટનાનો ભોગ સીટીએમ (CTM) વિસ્તારમાં રહેતા 76 વર્ષના સિનિયર સિટિઝન અને જાણીતા ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર ચતુરભાઈ પટેલ બન્યા હતા. તેઓ જ્યારે પોતાની ખાનગી કાર લઈને શ્યામજી ફાર્મ નજીકના આ મુખ્ય માર્ગ પરથી સામાન્ય સ્પીડમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ પણ પ્રકારની આગોતરી ચેતવણી વગર ખોદાયેલા અને ઉપરથી પોચી માટી પુરેલા રસ્તા પર તેમની કાર આગળ વધી હતી. માટી પોચી હોવાથી જોતજોતામાં કારના આગળના વ્હીલ સાથે આખી કાર જમીનની અંદર ધસી ગઈ હતી. આ અચાનક બનેલી કંપારી છૂટી જાય તેવી ઘટનાથી વૃદ્ધ વડીલ મનોવૈજ્ઞાનિક રીતે હેબતાઈ ગયા હતા. તેમણે હિંમત ભેગી કરીને જેમ-તેમ કરીને માંડ-માંડ કારનો દરવાજો ખોલી બહાર નીકળવામાં સફળતા મેળવી હતી, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો.
પોતાની કિંમતી કાર જમીનમાં ગરકાવ થઈ ગયા બાદ પીડિત ચતુરભાઈએ તુરંત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક વહીવટી તંત્ર પાસે તાત્કાલિક મદદની ગુહારી લગાવી હતી. પરંતુ, અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની અત્યંત શરમજનક અને ઉદાસીન બાબત એ રહી કે કલાકો સુધી તંત્રનો કોઈ જ નાનો-મોટો કર્મચારી, એન્જિનિયર કે અધિકારી તેમની મદદ માટે ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા.
અંતે, વડીલે ધોમધખતા તાપમાં ભારે શારીરિક અને માનસિક હાલાકી ભોગવ્યા બાદ પોતાની જાતે જ એક ખાનગી કંપનીની હાઈડ્રોલિક ક્રેનની વ્યવસ્થા કરવી પડી હતી. તેમણે પોતાના ખિસ્સામાંથી 2000 રૂપિયાનો રોકડો ખર્ચ કરીને કલાકોની ભારે જહેમત બાદ માંડ પોતાની કારને ખાડામાંથી બહાર કઢાવી હતી. આ ઘટનાને પગલે વસ્ત્રાલના સ્થાનિક રહીશો અને વેપારીઓમાં મ્યુનિસિપલ તંત્ર તેમજ બેદરકાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
