તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Tuesday, 9th June 2026
આણંદ એસીબીની ટ્રેપ: પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફિલ્ડ એન્જીનીયર જયેશભાઇ ડાહ્યાભાઇ જાદવ ૮,૦૦૦ રૂપિયાની લાંચ લેતા પેટલાદથી ઝડપાયા : મકાન સહાયના હપ્તા પેટે કુલ ૫૦,૦૦૦ ની લાંચ મંગાઈ હતી : મદદગારી કરનાર પ્રજાજન નગીનભાઇ રાજુભાઇ તડપદા સામે પણ ગુનો દાખલ
વેપકોસ લીમીટેડના એન્જીનીયરને કોલેજ ચોકડી નજીકથી પીઆઈ આર.એન.વિરાણીની ટીમે રંગેહાથ દબોચ્યો : મદદનીશ નિયામક એમ.એચ.પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ જાગૃત નાગરિકની ફરિયાદ પરથી થઈ કડક કાર્યવાહી

આણંદ:આણંદ જિલ્લાના પેટલાદમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે એક મોટું ઓપરેશન પાર પાડીને પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ સાથે સંકળાયેલા લાંચિયા ફિલ્ડ એન્જીનીયરને રંગેહાથ ઝડપી લેવામાં સફળતા મળી છે. વેપકોસ લીમીટેડ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ માં ફિલ્ડ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા જયેશભાઇ ડાહ્યાભાઇ જાદવને ૮,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે આબાદ ઝડપી લીધા છે, જ્યારે આ ગુનામાં લાંચની ગોઠવણ કરી મદદગારી કરનાર સ્થાનિક પ્રજાજન નગીનભાઇ રાજુભાઇ તડપદા વિરૂદ્ધ પણ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મકાન સહાયના હપ્તા પેટે કુલ ૫૦,૦૦૦ ની લાંચ મંગાઈ હતી:
આ ચકચારી કેસની વિગત એવી છે કે, આ કામના ફરિયાદીના પિતાના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૪,૦૦,૦૦૦/- ની મકાન સહાય મંજૂર થઈ હતી. આ મંજૂર થયેલી મકાન સહાયના વહીવટ અને વ્યવહાર પેટે આરોપી જયેશભાઇ જાદવ અને નગીનભાઇ તડપદાએ ફરિયાદી પાસે કુલ રૂ. ૫૦,૦૦૦/- ની મસમોટી લાંચની માંગણી કરી હતી. આ ગોઠવણ અંતર્ગત આક્ષેપિતોએ એવું જણાવ્યું હતું કે જ્યારે આવાસ સહાયનો પ્રથમ હપ્તો રૂ. ૭૦,૦૦૦/- ફરિયાદીના ખાતામાં જમા થાય, ત્યારે તેમાંથી રૂ. ૧૦,૦૦૦/- ચૂકવી દેવાના રહેશે. આ નક્કી થયા મુજબના નાણાંમાંથી રૂ. ૨,૦૦૦/- આક્ષેપિત નંબર ૨ નગીનભાઇ તડપદાએ અગાઉ જ ફરિયાદી પાસેથી મેળવી લીધા હતા અને બાકી રહેતા રૂ. ૮,૦૦૦/- ની ઉઘરાણી ચાલુ રાખી હતી.
એસીબીની ટીમ સક્રિય થઈ અને પેટલાદમાં છટકું ગોઠવાયું:
ફરિયાદી જાગૃત નાગરિક હોવાથી તેઓ ભ્રષ્ટાચારના આ ગેરકાયદેસર નાણાં આપવા બિલકુલ સંતોષ ધરાવતા નહોતા. આથી તેઓએ તુરંત આણંદ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધીને સમગ્ર હકીકત જણાવી ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા લાંચનું મજબૂત છટકું ગોઠવવામાં આવ્યું હતું. તારીખ ૦૯/૦૬/૨૦૨૬ ના રોજ પેટલાદમાં કોલેજ ચોકડી નજીક આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારના પાર્કિંગની બાજુમાં લાંચની રકમની લેવડ-દેવડ નક્કી કરવામાં આવી હતી.
રંગેહાથ ધરપકડ અને લાંચની રકમ પૂરેપૂરી રિકવર:
એસીબીની યોજના મુજબ ટ્રેપ દરમિયાન આક્ષેપિત નંબર ૧ જયેશભાઇ ડાહ્યાભાઇ જાદવે ફરિયાદી સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ફરિયાદી પાસેથી બાકી રહેતા લાંચના રૂ. ૮,૦૦૦/- સ્વીકાર્યા હતા. એન્જીનીયરે લાંચના નાણાં હાથમાં લેતા જ વોચમાં ઉભેલી આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.વિરાણી તથા તેમની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. જો કે, બીજા આક્ષેપિત નગીનભાઇ તડપદા ટ્રેપના સ્થળ ઉપર હાજર મળી આવ્યા નહોતા. બંને આક્ષેપિતોએ એકબીજાની મેળાપીપણામાં મદદગારી કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાથી એસીબીએ ગુનો નોંધી સ્થળ પરથી લાંચના રૂ. ૮,૦૦૦/- ની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે.
ઉચ્ચ અધિકારીઓના સીધા સુપરવિઝનમાં કામગીરી:
આ સમગ્ર ટ્રેપિંગ ઓપરેશન અમદાવાદ એસીબી એકમના મદદનીશ નિયામક એમ.એચ.પુવારના સીધા સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ એસીબી અમદાવાદના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડાના ચોક્કસ માર્ગદર્શન હેઠળ આ કડક કાર્યવાહી કરીને ભ્રષ્ટાચારી તત્વો સામે કાનૂની સિંકજો કસવામાં આવ્યો છે. એસીબી દ્વારા ફરાર આરોપી નગીનભાઇ તડપદાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
