તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
પાટણ જિલ્લામાં રૂ. 398 કરોડના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ : સાયબર ક્રાઇમ પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા : સંડોવાયેલા અન્ય 6 આરોપીઓની શોધખોળ
MULE HUNT 2.0 અભિયાન હેઠળ પાટણ સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી, બેંક ખાતાઓ ભાડે આપી કરોડોના નાણાંકીય વ્યવહારો કરતા રેકેટનો પર્દાફાશ : NCCRP પોર્ટલ પર મળેલી ફરિયાદોના આધારે કાર્યવાહી

(જયંતીભાઈ ઠક્કર દ્વારા)પાટણ તા.૯ : પાટણ જિલ્લામાં રૂ. 398 કરોડના સાયબર ક્રાઇમ રેકેટનો પાટણ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કરી 4 આરોપીઓની ઝડપી લીધા છે જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 6 આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા, બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા તેમજ સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્કને નાબૂદ કરવા ઉદ્દેશથી ઓપરેશન MULE HUNT 2.0 શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત પોલીસમહાનિરીક્ષક, બોર્ડરક્રાઇમ રેન્જ, પાલનપુરના પરિશીતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ કરેલ સૂચના અનુસાર અને નાયબ પોલીસ અધિક્ષક પાટણ પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ ધારકો, વચેટીયાઓ તથા સાયબર ગુનામાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
જેમાં ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાટણ દ્વારા ભારત સરકારના SAMANVAYA તથા NCCRP પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ કરી શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ કરતા પી. હારીજ નાગરિક સહકારી બેંક લિ., હારીજ ખાતે ખોલવામાં આવેલા કેટલાક કરંટ ખાતાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી સાયબર ફરિયાદો તેમજ અસામાન્ય અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા હતા. જેમાં કેટલાક ઈસમો દ્વારા લોકોને રોકડ રકમ અને માસિક કમિશનની લાલચ આપી તેમના નામે પેઢીઓ ઉભી કરી બેંક ખાતાઓ ખોલાવવામાં આવતા હતા. ત્યારબાદ ખાતા ધારકો પાસેથી બેંકિંગ કિટ, ATM કાર્ડ, ચેકબુક, કોરા સહીવાળા ચેક, મોબાઇલ નંબર અને ઈન્ટરનેટ બેંકિંગની સુવિધાઓ મેળવી આ ખાતાઓનો ઉપયોગ OTP ફ્રોડ, APK લિંક આધારિત ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન, સોશિયલ મીડિયા મારફતે થતી આર્થિક છેતરપિંડી તેમજ ઓનલાઈન જુગાર અને સટ્ટા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવવામાં આવેલી રકમના વ્યવહારો માટે કરવામાં આવતો હતો.
જેમાં કુલ 13 મ્યુલ એકાઉન્ટમાં રૂ. 398.89 કરોડ ના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થયા છે અને આ બેંક ખાતાઓમાં ભારતના વિવિધ રાજ્યો માંથી કુલ 282 NCCRP સાયબર ફ્રોડ ફરિયાદો થયેલી છે. જેના આધારે કુલ 13 પેઢ ખાતાધારકો તથા ખાતાઓ ભાડે મેળવી તેનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરનાર 7 વચેટીયાઓ મળી કુલ 20 આરોપીઓ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 61(2), 319(4), 318(4) તથા 61(2)(એ) મુજબ ગુનો સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓમાં 1) રોહન અશોકજી ઠાકોર, હાલ રહે: 247 માધવનગર સોસાયટી પદ્મનાભ ચોકડી પાટણ, મૂળ રહે: ટીંગાવાસ ચારસ્મા, 2) વિષ્ણુભાઈ વજેગોવાભાઈ પ્રજાપતિ, રહે: ઠાકરીજ પંચાલ વાસ, 3) ચિરાગકુમાર રામજીભાઈ પ્રજાપતિ, હાલ રહે: હારીજ ચામુંડાનગર શિવમુદિર સામે 4) પાર્થ કમલેશભાઈ પ્રપતિ, રહે: મધુપુરીપની પોળ છીદીયા દરવાજા, 5) ચેતન ભગવાનભાઈ ઠક્કર, હાલ રહે: 140 શૈતિક કૃપા સોસાયટી લીલીચોકી દોડ પાટણ, મૂળ રહે: ટાંગ તા.વારીજ, 6) મણીલાલ કનુભાઈ પ્રજાપતિ, હાલ રહે: 9/પરમપ્રમુખ સોસાયટી બેચરાજી રોડ મહેસાણા, મૂળ રહે: ઓરવાડા તા. ધારીજ 7) રમેશભાઈ અમથાભાઈ સુથારવડ: જીના તા-સમી 8) ભરતજી કાંતિજી ઠાકોર, હાલ રહે, યશ વિહાર અંબાજી નેણીયુ પાટણ, 9) મૂળ રહે, બોરસણ તા.પાટણ, 10) શૈલેષ જગજીવન ઠક્કર, રહે. લક્ષ્મીપુરા વિસ્તાર રામનગર પાટણ, 11) નિતિન શંકરલાલ પ્રજાપતિ, રહે. મકાન નં- 27 સોની બોર્ડીની સામે ગુર્જરવાડો પાટણ, 12) દિનેશબાલુભાઈ પ્રજાપતિ, હાલ રહે: અંબિકાનગર સોસાયટી બેચરાજી રોડ હારીજ જી.પાટણ, મૂળ રહે: ઓરવાડા તા-હારીજ 13) બંમેભાઈ વાઘાભાઈ રબારી, હાલ રહે. વસ્તી બંગ્લોઝ, પાલનપુર હાઈવે રાધનપુર જી-પાટણ, મૂળ રહે: બેરવાડ તા-સાંચોર જી પાટણ 14) કિસન નારાયણભાઈ પટેલી રહે: પદ્મનાભ સહીવાદ મીરા દરવાજા પાટણ અને 15) વસંતભાઈ અમથાભાઈ સુથાર, હાલ રહે: સિટી સેન્ટર શ્રી મસાલીરોડ રાધનપુર તા-સાંચોર જી.પાટણ, મૂળ રહે: કંડરીજ તા-સમી જી પાટણ નો સમાવેશ થાય છે.
જ્યારે પકડવાના બાકી આરોપીઓમાં 1) દિશાબાઈ નાથાલાલ ઠક્કર રહે. મૂળ હારીજ 2) જયદીપ ઉર્ફે જે.ડી.ઠક્કર રહે. અમદાવાદ 3) મનોજકુમાર ઉર્ફે લાલો નટવરલાલ ઠક્કર રહે. ધોળકાના તા.સાંતલપુર હાલ રહે. રાધનપુર 4) હાર્દિક પ્રજાપતિ રહે. પાટણ 5) ધનભાઈ ઠક્કર રહે. અમદાવાદ અને 6) અમિનભાઈ જમાનભાઈ ઠક્કર રહે. અમદાવાદ વાળા હોવાનું જાણવા મળ્યું છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
