<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ભારતમાલા એક્સપ્રેસ-વે પર ઊભેલી ટ્રક પાછળ ટેમ્પો અથડાયો : ચાલકનું મોત

ઇન્ડિકેટર અને સેફ્ટી સાધનો હોવા છતાં સર્જાયો ગંભીર અકસ્માત

સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ મથક વિસ્તારમાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ-વે પર રવિવારે વહેલી સવારે એક જીવલેણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડની સાઇડમાં સુરક્ષિત રીતે ઊભી રાખવામાં આવેલી બ્રેકડાઉન ટ્રક પાછળ આઈશર ટેમ્પો ધડાકાભેર અથડાતાં ટેમ્પો ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના સોનગઢના રહેવાસી પ્રશાંતભાઈ ચંદ્રકાંત વાઘમારે પોતાની ટ્રક (GJ-26-T-2451) લઈને ચીખલીથી સોનગઢ તરફ જઈ રહ્યા હતા. શનિવારે રાત્રે ભારતમાલા એક્સપ્રેસ-વેના ચેનલ નંબર 1008 નજીક ટ્રકના એન્જિનમાં અચાનક ખામી સર્જાતા તેમણે વાહન રોડની સાઇડમાં ઊભું રાખ્યું હતું.
રાત્રિનો સમય અને ક્રેન ઉપલબ્ધ ન હોવાથી પ્રશાંતભાઈએ ટ્રકની ઇન્ડિકેટર લાઈટો ચાલુ રાખી હતી તેમજ પાછળ જરૂરી સેફ્ટી સાધનો અને ચેતવણી ચિહ્નો ગોઠવ્યા હતા, જેથી અન્ય વાહનચાલકોને અગાઉથી જાણ થઈ શકે.
પરંતુ રવિવારે સવારે અંદાજે 6:30 વાગ્યે મુંબઈ તરફ જઈ રહેલા આઈશર ટેમ્પો (GJ-38-T-8082)ના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પૂરઝડપે આવી રહેલો ટેમ્પો રોડની સાઇડમાં ઊભેલી ટ્રકની પાછળ જોરદાર રીતે અથડાયો હતો.
અકસ્માતની ટક્કર એટલી ગંભીર હતી કે ટેમ્પોના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા. ચાલકને મોઢા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
જોકે સારવાર દરમિયાન ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી અને પોલીસ તેની ઓળખ મેળવવાના પ્રયાસો કરી રહી છે.
આ બનાવ અંગે ટ્રક ચાલક પ્રશાંતભાઈ વાઘમારેની ફરિયાદના આધારે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રક તરફથી જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

(1:32 PM IST)