<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

વલસાડમાં 7 વર્ષની બાળકી સાથે છેડતીનો ગંભીર આરોપ

પાડોશીએ ફ્લેટમાં બોલાવી અશ્લીલ વીડિયો બતાવ્યા: દુષ્કર્મનો પ્રયાસ; POCSO હેઠળ ગુનો નોંધાયો

વલસાડ શહેરમાં સાત વર્ષની માસૂમ બાળકી સાથે જાતીય સતામણીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પાડોશમાં રહેતા એક શખ્સે બાળકીને પોતાના ફ્લેટમાં બોલાવી મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવ્યા હોવાનો અને તેની સાથે અશોભનીય વર્તન કર્યું હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીની અટકાયત કરી પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ઘટના રવિવારે બપોરે આશરે 4:30 વાગ્યે બની હતી. ફરિયાદી મહિલાની સાત વર્ષની દીકરી બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં રમી રહી હતી. તે દરમિયાન બિલ્ડિંગમાં રહેતા અજીતભાઈ દનુભાઈ ગાયકવાડ નામના વ્યક્તિએ બાળકીને કોઈ બહાને પોતાના ફ્લેટમાં બોલાવી હતી.
મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવ્યાનો આરોપ
ફરિયાદ મુજબ, ફ્લેટમાં લઈ ગયા બાદ આરોપીએ બાળકીને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવ્યા હતા. બાળકી ગભરાઈ જતાં બહાર નીકળવાનો પ્રયાસ કરતી હતી ત્યારે આરોપીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને અયોગ્ય વર્તન કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ દરમિયાન બાળકીની મોટી બહેનને ઘટનાની જાણ થતાં તેણે તરત જ માતાને જાણ કરી હતી. માતા તાત્કાલિક ફ્લેટ પર પહોંચી હતી અને દરવાજો ખખડાવ્યો હતો. થોડા સમય બાદ બાળકી ફ્લેટમાંથી બહાર આવી માતા પાસે પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.
સ્થાનિકોએ આરોપીને રોકી રાખ્યો
બનાવની જાણ થતાં આસપાસના રહીશો અને સોસાયટીના સભ્યો પણ સ્થળ પર એકત્ર થયા હતા. સ્થાનિક લોકોએ આરોપીને ત્યાંથી જવા ન દીધો અને પોલીસને જાણ કરી હતી.
112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી અજીત ગાયકવાડને કસ્ટડીમાં લીધો હતો.
POCSO સહિતની કલમો હેઠળ ગુનો
વલસાડ સિટી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ 11 અને 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ દ્વારા બાળકી અને આરોપી બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. સમગ્ર મામલાની વધુ તપાસ વલસાડ સિટી પોલીસના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે

(1:28 PM IST)