તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
ગટરો ‘મોતનો કુવો' બની, છેલ્લાં ૧૦ વર્ષમાં ૭૩ શ્રમિકોના મોત
ગુજરાતમાં હાથથી ગટર સાફ કરવાની અમાનવીય પ્રથા : શ્રમિકોના મૃત્યુમાં ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે, કાયદો કાગળ પર જ, પુનઃવસન માટે સરકારે એક રૂપિયો પણ ફાળવ્યો નહીં

અમદાવાદ,તા.૯: ગુજરાતમાં વિકાસ અને આધુનિકતાના દાવાઓ વચ્ચે હાથથી ગટર સાફ કરવાની અમાનવીય પ્રથા ચાલુ રહી છે.સુરતના ખાંડ બજાર પાસે ઈ-પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલાં ચાર સફાઈ કર્મચારીઓના ગુંગળામણથી થયેલાં મોતે આ ગંભીર સમસ્યાને ફરી સપાટી લાવી દીધી છે.સફાઈ અને સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપના રાજમાં સફાઇ કર્મચારીઓ શ્રમિકો સુરક્ષાના સાધનો વિના મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે.
સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં દેશભરમાં ગટર અને સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ૬૨૨ સફાઈકમીઓના મોત નીપજ્યા છે. આ યાદીમાં ગુજરાત અત્યંત ચિતાજનક સ્થિતિ સાથે સમગ્ર દેશમાં પાંચમા ક્રમે છે, જ્યાં છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં પણ ૭૩ જેટલા સફાઈકમીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. વારંવાર બનતી આવી દર્દનાક ઘટનાઓ છતાં તંત્ર કેમ સફાઈ માટે પૂરતા આધુનિક સુરક્ષા સાધનો અને મશીનરીની વ્યવસ્થા કરતું નથી તે એક મોટો સવાલ??.
હાથથી ગટર સાફ કરવા મુદ્દે પ્રતિબંધિત કાયદાની જોગવાઈઓના અમલમાં હોવા છતાં સરકારની ઈચ્છાશક્તિનો સદંતર અભાવ દેખાઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૮ના સર્વે મુજબ, ગુજરાતમાં ૧૦૫ પરિવારો આજે પણ આ જોખમી અને અમાનવીય પ્રથા સાથે જોડાયેલા છે. પુનઃવસન અને વૈકલ્પિક રોજગારી માટે જોગવાઈ હોવા છતાં વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪-૨૫ સુધી આ પરિવારોને મળવાપાત્ર 'સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિગ કે રૂા.૪૦,૦૦૦ની સહાય પેટે સરકારે એક પણ રૂપિયો ફાળવ્યો નથી.વર્ષ ૨૦૨૫માં જ ‘‘નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી'ને ગુજરાતમાંથી ૨૮ જેટલી ફરિયાદો મળી છે. શ્રમિકોના સતત થઈ રહેલા મોતના મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ દ્વારા નક્કર પગલાં લેવામાં ન આવતા તેવું પીડિત પરિવારોનું કહેવુ છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
