તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
ગુજરાત એસ.ટી.દ્વારા ડ્રાઇવર-કંડકટરની કુલ ૮૯૧૭ જગ્યાઓ ઉપર ભરતી : કરો અરજી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા સરકારી નોકરીમાં જોડાવવા યુવાધનને આહ્વાન * ડ્રાઇવર કક્ષાની ૪પ૯૯ અને કંડકટર કક્ષાની ૪૩૧૮ જગ્યાઓ માટે પ જુલાઇ સુધીમાં https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરો * પ્રજાલક્ષી સેવાઓ અને પરિવહન વ્યવસ્થાને સુદૃઢ બનાવવાના મકકમ સંકલ્પ સાથે સરકારનો મહત્વનો નિર્ણય : હર્ષભાઇ સંઘવી * દૈનિક ર૭ લાખથી વધારીને ૩૦ લાખ મુસાફરોના લક્ષ્યાંકને સાકાર કરી રાજયના વિકાસને નવી ગતિ આપવા સરકારનું મક્કમ કદમ

રાજકોટ તા. ૮ : જ્ઞાન, માહિતી, ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ અને વૈશ્વિકરણના આજના યુગમાં સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી સરકારી નોકરી મેળવવા માટે આજનું યુવાધન સતત આતુર હોય છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા હાલમાં વિવિધ ક્ષેત્રે ઘણી બધી ભરતીઓ ચાલી રહી છે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર વિભાગ (GSRTC) દ્વારા હાલમાં બમ્પર ભરતી બહાર પડી છે, જેમાં ડ્રાઇવર કક્ષાની ૪પ૯૯ અને કંડકટર કક્ષાની ૪૩૧૮ (કુલ ૮૯૧૭ જગ્યાઓ) જગ્યાઓનો સમાવેશ થાય છે. આ માટે પ જૂલાઇ ર૦ર૬ સુધીમાં https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરી શકાય છે. અરજી ફી સ્વિકારવાની છેલ્લી તારીખ ૭ જુલાઇ ર૦ર૬ રાખવામાં આવી છે.
આ મેરીટ બેઇઝડ સરકારી ભરતીમાં જોડાવવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ સોશ્યલ મિડયા પ્લેટફોર્મ દ્વારા એક રીતે યુવાધનને આહવાન પણ કર્યુ છે. તેઓએ જણાવ્યું છે કે પ્રજાલક્ષી સેવાઓ અને પરિવહન વ્યવસ્થાને સુદૃઢ બનાવવાના મક્કમ સંકલ્પ સાથે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એસ. ટી. પરિવહન સેવામાં ર૭ લાખથી વધારીને દૈનિક ૩૦ લાખ મુસાફરોના લક્ષ્યાંકને સાકાર કરવા અને રાજયના વિકાસને નવી ગતિ આપવા માટે મક્કમ કદમ હોવાનું પણ શ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું.
ગુજરાત એસ. ટી. દ્વારા ભરવામાં આવનાર ડ્રાઇવર-કંડકટરની તમામ જગ્યાઓ માટે ઉમેદવારોની ૧૦૦ માર્કસની OMR (ઓ. એમ. આર.) પધ્ધતિથી મેરીટ બેઈઝડ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ પસંદગી-યાદી - પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પ્રક્રિયા થશે. પસંદ થનાર ઉમેદવારોએ પ્રથ પાંચ વર્ષ ફીકસ પગારથી પોતાની ફરજ બજાવવાની રહેશે. જગ્યાઓની સંખ્યામાં કે પછી ભરતી જાહેરાતમાં ફેરફાર શકય છે.
ડ્રાઇવર-કંડકટરની જગ્યાઓ માટે ફોર્મ ભરવા ઉમેદવારોની ઊંમર ૧૮ થી ૩પ વર્ષ (તા. પ-૭-૯૧ થી પ-૭-ર૦૦૮ વચ્ચે જન્મ લેનાર) હોવી જરૂરી છે. ઉપરાંત કોમ્પ્યુટરના પ્રમાણપત્ર સાથે ધોરણ ૧ર પાસ જરૂરી છે. ધોરણ ૧૦ પછી ડીપ્લોમાં કે આઇ. ટી. આઇ. કરેલ ઉમેદવારો માટે પણ જાહેરાતમાં સૂચનાઓ આપવામાં આવી છે.
મહિલાઓ, દિવ્યાંગ ઉમેદવારો સહિત રીઝર્વ કેટેગરીના તમામ ઉમેદવારો માટે ઉમર સહિતની બાબતોમાં સરકારના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. અરજી, ફ્રી શૈક્ષણિક લાયકાત છૂટછાટ, પરીક્ષા, પગાર સહિત ભરતી વિશેની તમામ માહિતી સૂચનાઓ https://gsrtc.in વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.
તો મિત્રો, ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઇવર-કંડકટર બનવા માટે સોનેરી તક આવી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો, જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિની મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
