<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

પલસાણાના એના ગામે પોલીસનો દરોડો, ₹2.81 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વોન્ટેડ આરોપીના ઘર પાછળના વાડામાંથી 1,164 નંગ દારૂ અને બિયરનો જથ્થો કબજે; પોલીસ તપાસ તેજ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમિયાન ઘર પાછળના વાડામાં સંતાડીને રાખવામાં આવેલો અંદાજે ₹2.81 લાખ કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરત રેન્જ પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેના ભાગરૂપે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ, ચેકિંગ અને બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી.
દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એના ગામના ટેકરા ફળિયામાં રહેતો રાહુલ ભીખાભાઈ રાઠોડ પોતાના ઘર પાછળના વાડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન સહિત કુલ 1,164 નંગ જથ્થો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹2,81,604 હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ મામલે પલસાણા પોલીસે આરોપી રાહુલ ભીખાભાઈ રાઠોડ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
દારૂની હેરાફેરી અને સંગ્રહ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પલસાણા પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદે દારૂના વેપાર અને સંગ્રહ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે

(1:15 PM IST)