તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
આહવા સબ જેલમાંથી ફરાર બે કેદીમાંથી એક ઝડપાયો: પોક્સો અને હત્યાના ગુનાના આરોપીઓએ જેલગાર્ડને ધક્કો મારી ભાગી ગયા :ચાર જેલગાર્ડ સામે ગુનો નોંધાયો
સુરક્ષામાં ગંભીર ખામી સામે આવી: એક આરોપી ઝડપાયો, બીજાની શોધખોળ ચાલુ

ડાંગ જિલ્લાના આહવા સ્થિત સબ જેલમાંથી ફરાર થયેલા બે કેદીઓમાંથી એકને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જ્યારે બીજો આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા અને જેલ સ્ટાફની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પોક્સો અને હત્યાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. બંનેએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી જેલ સ્ટાફને બેરેકનું તાળું ખોલવા માટે સમજાવ્યા હતા. તાળું ખુલતાં જ બંને આરોપીઓએ તકનો લાભ લઈ જેલગાર્ડને ધક્કો મારી જેલ પરિસરમાંથી ભાગી છૂટ્યા હતા.
પ્રાથમિક તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે જેલના મુખ્ય દરવાજા પર તાળું મારવામાં આવ્યું ન હતું. જેના કારણે આરોપીઓ માટે ફરાર થવું વધુ સરળ બન્યું હતું. આ ઘટનાએ જેલ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી ઉજાગર કરી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સક્રિય બન્યા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ડાંગ જિલ્લા પોલીસે વિવિધ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આસપાસના વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસની સઘન કામગીરી દરમિયાન ફરાર આરોપી ગિરીશ ભોયેને ઝડપી લેવામાં આવ્યો છે. જોકે અન્ય ફરાર આરોપી વિજય ધૂમ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. તેની શોધખોળ માટે વિશેષ પોલીસ ટીમો સતત કામગીરી કરી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે ચાર જેલગાર્ડ સામે ફરજમાં બેદરકારી અને સુરક્ષામાં ક્ષતિ બદલ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જેલ સ્ટાફની બેદરકારી સામે આવતાં જવાબદાર કર્મચારીઓ સામે કડક વિભાગીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
આહવા સબ જેલમાંથી કેદીઓના ફરાર થવાની ઘટનાએ જેલ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે ગંભીર ચર્ચા જગાવી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા અને દેખરેખ વધુ કડક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાઈ રહ્યો છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
