<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ગુજરાતમાં સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં ૧૯ નાગરિકોના મોત પર પૂ. મોરારીબાપુ દ્વારા ઘેરા શોકની અભિવ્યક્તિ : પીડિત પરિવારો માટે લાખોની સંવેદના સહાય જાહેર

તલગાજરડા ચિત્રકૂટધામ તરફથી પ્રત્યેક મૃતકના વારસદારોને ₹૧૫,૦૦૦ લેખે કુલ ₹૨,૮૫,૦૦૦ અર્પણ કરાશે : ગોંડલ, સુરત, મોરબી, મહુવા અને બનાસકાંઠા સહિતના વિસ્તારોના અકસ્માતોમાં જીવ ગુમાવનારા આશ્રિતોને મળશે આર્થિક આશ્વાસન

તલગાજરડા: સમગ્ર ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સર્જાયેલી કાળજું કંપાવી દેનારી વિવિધ અકસ્માત અને આપદાની દુર્ઘટનાઓમાં ૧૯ જેટલી નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આઘાતજનક ઘટનાઓને પગલે સુપ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂ. મોરારીબાપુ દ્વારા ઊંડી સંવેદના વ્યક્ત કરીને તમામ સદ્ગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. પૂ. મોરારીબાપુએ આ કપરા સમયમાં આપત્તિનો ભોગ બનેલા શોકાકુલ પરિવારોની વહારે આવીને તલગાજરડા સ્થિત શ્રી ચિત્રકૂટધામ વતી આર્થિક આશ્વાસનરૂપે કુલ રૂપિયા ૨,૮૫,૦૦૦ ની સંવેદના સહાય આપવાની જાહેરાત કરી છે.

 

સમગ્ર વિશ્વની આપદાઓમાં ચિત્રકૂટધામ તલગાજરડા હંમેશાં અગ્રેસર:

પોતાની પરંપરા મુજબ પ્રદેશ, દેશ કે દુનિયાના કોઈપણ ખૂણે જ્યારે પણ આવી કોઈ અણધારી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સર્જાય છે, ત્યારે પૂ. મોરારીબાપુ અને શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા પરિવાર તરફથી પીડિત માનવતાની સેવા કાજે ત્વરિત સહાય અને સંવેદના પહોંચાડવામાં આવતી રહે છે. તાજેતરમાં ગુજરાતમાં જ બનેલી અલગ અલગ ઘટનાઓમાં એકસાથે ૧૯ લોકોના અકાળે અવસાન થતાં પૂ. મોરારીબાપુનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને તેમણે સદ્ગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પરિવારોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી મંગલ કામના કરી છે.

 

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ ૧૯ કમનસીબોના પરિવારોને મળશે આર્થિક મદદ:

આ આફતોનો ભોગ બનેલા પ્રત્યેક મૃતકના વારસદાર પરિવારને રૂપિયા ૧૫,૦૦૦ લેખે આ સહાયની રકમ અર્પણ કરવામાં આવી રહી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાઓમાં મહુવા તાલુકાના છાપરી ગામના વાડી વિસ્તારમાં દીપડાના હુમલાનો ભોગ બનેલું ૧ માસૂમ બાળક, મોરબી-હળવદ માર્ગ પર ચરાડવા ગામ નજીક થયેલા ભયાનક વાહન અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા રણછોડગઢ ગામના ૫ નાગરિકો, તેમજ ગોંડલ તાલુકાના શેમળા ગામે ઓરિયા તળાવમાં ડૂબી જવાથી અકાળે મોતના મુખમાં ધકેલાયેલા ૩ બાળકોનો સમાવેશ થાય છે.

 

શ્રમિકો અને અન્ય અકસ્માત પીડિતોના વારસદારો સુધી પહોંચશે સહાય:

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પાસે આવેલા પાનસા રીંછડી ગામે તળાવમાં ડૂબી જવાથી અન્ય ૩ બાળકોના પણ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે સિદ્ધપુર દેથલી ચોકડી પાસે વાહનની અડફેટે આવી જતાં ૧ અજાણ્યા શ્રમિકે, સુરતના ખાંડ બજાર વિસ્તારમાં આવેલા કારખાનામાં સર્જાયેલી દુર્ઘટનામાં ૪ શ્રમિકોએ અને ભાવનગરમાં રામદરબારના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહેલી ૨ વ્યક્તિઓએ અકસ્માતનો ભોગ બનીને પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ તમામ આશ્રિત પરિવારોને ચિત્રકૂટધામ તરફથી ખૂબ જ ટૂંક સમયમાં સહાયની રકમ પહોંચતી કરવામાં આવશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(10:52 AM IST)