<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

સાબરકાંઠાના પોશીના પંથકમાં લગ્નના વરઘોડામાં ડીજેનો અવાજ ધીમો કરવા મુદ્દે અથડામણ:પથ્થરમારામાં 15થી વધુ લોકોને ઈજા

પથ્થરમારાની ઘટનાને પગલે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા: પોશીના પોલીસનો મોટો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાંથી લગ્ન પ્રસંગમાં લોહિયાળ હિંસક ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. તાલુકાના ચંદ્રણા ગામના ઘવા ફળીયામાં રાજસ્થાનથી એક લગ્નની જાન આવી હતી. આ જાનના વરઘોડા દરમિયાન મોટા અવાજે ડીજે (DJ) વાગી રહ્યું હતું, જેનો અવાજ ધીમો કરવા જેવી મામૂલી બાબતે સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. મામલો એટલો બિચક્યો હતો કે બંને જૂથના લોકોએ એકબીજા પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. લગ્નનો હર્ષોલ્લાસનો માહોલ અચાનક ચીસાચીસ અને ભયમાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં બંને પક્ષના થઈને ૧૫થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

પથ્થરમારાની ઘટનાને પગલે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોશીના પોલીસનો મોટો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પોલીસે હાલ ચંદ્રણા ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:01 PM IST)