<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આકરી ગરમીઃ લોકો ત્રાહીમામ

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરી માવઠાની આગાહીથી

અમદાવાદઃ  ગુજરાતના હવામાનને લઈને રાજ્યના હવામાન વિભાગ દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવી છે. એક તરફ દેશમાં ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે, એટલે કે નાગરિકોએ હજુ થોડા દિવસ અકળાવનારી ગરમીનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીની વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આજે માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવી શકે છે અને પવન સાથે હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે સ્થાનિક સ્તરે અસહ્ય બફારા અને ભેજનું પ્રમાણ વધવાની પણ આશંકા સેવાઈ રહી છે.

 

તાપમાનના આંકડાની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં સૌથી વધુ તાપમાન 41.5 ડિગ્રી નોંધાઈ શકે છે. ચોમાસાના આગમન પહેલાની આ આકરી ગરમી અને પવનના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. હવામાન નિષ્ણાતોના મતે, મહારાષ્ટ્ર સુધી પહોંચેલું ચોમાસું આગામી દિવસોમાં ગુજરાત તરફ ક્યારે આગળ વધશે તેના પર અત્યારે સમગ્ર તંત્ર નજર રાખી રહ્યું છે.

(4:09 PM IST)