તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયર વિરુદ્ધ ACBની કાર્યવાહીઃ લાખોની અપ્રમાણસર મિલકતનો કર્યો પર્દાફાશ
તેમની પાસેથી કુલ રૂપિયા ૬૮,૯૮,૪૬૦/- (અંદાજે ૬૯ લાખ રૂપિયા) ની બિનહિસાબી અને અપ્રમાણસર મિલકતો મળી આવી છે

સુરત: સુરત મહાનગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા ભ્રષ્ટાચારનો લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત મનપાના ક્લાસ-૩ ના આસિસ્ટન્ટ એન્જિનિયર રસિકભાઈ મગનભાઈ પટેલ વિરૂદ્ધ એસીબીએ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન આરોપી ઈજનેર પાસેથી કરોડોના વ્યવહારો અને લાખો રૂપિયાની અપ્રમાણસર (ગેરકાયદેસર) મિલકતો મળી આવતાં પાલિકા આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
એસીબીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આસિસ્ટન્ટ એન્જિનિયર રસિકભાઈ પટેલે પોતાની ફરજ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હતો. તેમણે પોતાની કાયદેસરની અને જાહેર કરેલી આવકના સ્રોત કરતાં અંદાજે ૭૦.૧૩% જેટલી વધુ સંપત્તિ વસાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આંકડાકીય વિગતો મુજબ, તેમની પાસેથી કુલ રૂપિયા ૬૮,૯૮,૪૬૦/- (અંદાજે ૬૯ લાખ રૂપિયા) ની બિનહિસાબી અને અપ્રમાણસર મિલકતો મળી આવી છે.
મળતી વિગતો અનુસાર, આરોપી ઈજનેરે વર્ષ ૨૦૧૧ થી લઈને વર્ષ ૨૦૨૦ દરમિયાનના ૯ વર્ષના સમયગાળામાં ફરજ પર રહીને આ આખી ગેરકાયદેસર સામ્રાજ્ય ઊભું કર્યું હતું.
આ મામલે સુરત શહેર એસીબી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ આરોપી રસિકભાઈ પટેલ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની સુધારેલી કલમો ૧૩(૧)(બી) તથા ૧૩(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબીની ટીમે આ મિલકતોના દસ્તાવેજો જપ્ત કરીને આરોપી સામે આગળની કડક પૂછપરછ અને સર્ચ ઓપરેશનની કાર્યવાહી તેજ કરી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
