તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Saturday, 6th June 2026
ગુરુજીઓનું આર્થિક ગણિત ખોરવાયું: રેકોર્ડબ્રેક બજેટ છતાં ગુજરાતના 2 લાખ પ્રાથમિક શિક્ષકો પગાર માટે વલખાં મારવા મજબૂર!
વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનારા શિક્ષકોના ઘરનું બજેટ મોંઘવારીમાં ડગમગ્યું; શિક્ષણ વિભાગની લાપરવાહી સામે રાજ્યભરમાં ભારે આક્રોશ

અમદાવાદ : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા અંદાજે 2 લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો માટે આ મહિનો આર્થિક સંકટની કાળી આફત લઈને આવ્યો છે. એક તરફ સરકાર શિક્ષણ પાછળ કરોડોના બજેટના ગુણગાન ગાય છે, તો બીજી તરફ જેમના હાથમાં રાજ્યના ભાવી પેઢીનું ઘડતર છે, તેવા શિક્ષકો જ પોતાના હકના વેતન માટે દર દર ભટકી રહ્યા છે. રાજ્યમાં અન્ય સરકારી કર્મચારીઓને પહેલી તારીખે પગાર મળી જતો હોય, ત્યારે માત્ર શિક્ષકો સાથે જ આ સાવકો વ્યવહાર કેમ, તેવો તીવ્ર સવાલ શિક્ષક આલમમાં ઉઠી રહ્યો છે.
બજેટના આંકડા મોટા, પણ વાસ્તવિકતા ખાલી ખિસ્સા!
તાજેતરમાં જ વિધાનસભા સત્રમાં શિક્ષણ વિભાગ માટે રૂપિયા 63,184 કરોડનું રૅકોર્ડબ્રેક બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. 'મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ' જેવી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવાની જાહેરાતો તો થઈ, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. શિક્ષણ વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન શિક્ષકોને જ સમયસર વેતન મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે. જવાબદારીઓનો પહાડ વધારતી સરકાર જ્યારે વેતન ચૂકવવાની વાત આવે ત્યારે ગ્રાન્ટના બહાના કાઢીને પોતાનું પલ્લું ઝાડી લે છે.
લોનના હપ્તા બાઉન્સ, સીબિલ સ્કોર બગડવાની ચિંતા
પગારમાં થતા સતત વિલંબને કારણે શિક્ષકોનું ઘરનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. એક શિક્ષકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, "અમે શિક્ષણ સાથે વસ્તીગણતરી, સર્વે અને ચૂંટણીલક્ષી કામો પણ કરીએ છીએ, પણ મહિનાના અંતે જ્યારે પગારના ફાંફા હોય ત્યારે કૌટુંબિક જવાબદારીઓ નિભાવવી મુશ્કેલ બની જાય છે." પગાર સમયસર ન થવાને કારણે શિક્ષકોની હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ (EMI) બાઉન્સ થઈ રહ્યા છે. જેના કારણે તેમને આર્થિક દંડ અને પેનલ્ટી ભરવી પડે છે, સાથે જ તેમનો સીબિલ સ્કોર પણ બગડી રહ્યો છે. 4 થી 15 તારીખ સુધી લંબાતા પગારના કારણે શિક્ષકો માનસિક તાણ અનુભવી રહ્યા છે.
શિક્ષણની ગુણવત્તા પર પડશે નકારાત્મક અસર
શિક્ષકો માત્ર ભણાવવાનું કામ નથી કરતા, પરંતુ ડિજિટલ ડેટા એન્ટ્રીથી લઈને મધ્યાહ્ન ભોજન અને અન્ય બિન-શૈક્ષણિક કામોનો અતિશય વર્કલોડ પણ તેમની પર લાદવામાં આવ્યો છે. આટલી મહેનત છતાં વેતનમાં થતો વિલંબ તેમની કાર્યક્ષમતા ઘટાડી રહ્યો છે. જો શિક્ષકો જ આર્થિક ચિંતામાં ડૂબેલા રહેશે, તો તેઓ બાળકોને પૂરતું ધ્યાન આપી શકશે નહીં, જેની સીધી નકારાત્મક અસર ગુજરાતના શિક્ષણ સ્તર પર પડી શકે છે. સરકાર આ મુદ્દે ત્વરિત પગલાં ભરે તેવી માંગ ઉગ્ર બની છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
