News of Saturday, 6th June 2026
સુરત રેન્જના વડા પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ ડાંગના એસપી પૂજા યાદવના નેતૃત્વમાં LCB PSI જયદીપ અનડકટ અને તેમની ટીમે “નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત” અભિયાન અંતર્ગત કરી કાબિલેદાદ કામગીરી
નાણાં ડબલ કરવાની લાલચ આપી રૂ.૧૫.૪૦ લાખની છેતરપિંડી આચરી ૪૭૦૦ કિલોમીટર સુધી દોડાવનાર “ધ ઈવા ગ્રુપ” કંપનીના મુખ્ય માસ્ટરમાઇન્ડ ડાયરેક્ટર આરોપી રાજેશકુમાર બિંદને લોકલ ક્રાઇમ બ્રાન્ચે યુપી-બિહાર બોર્ડર પરથી ફિલ્મી ઢબે દબોચ્યો

રાજકોટ: સાઉથ ગુજરાતમાં નાસતા-ફરતા અને વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે શરૂ કરાયેલા વિશેષ અભિયાન હેઠળ ડાંગ-આહવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને એક બહુ મોટી, ચકચારી અને ઐતિહાસિક સફળતા સાંપડી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને રેન્જ વડા પ્રેમવીર સિંહ (IPS) ના અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા તેમજ “નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત” અંતર્ગત અપાયેલી કડક સૂચનાઓ અન્વયે ડાંગ-આહવા પોલીસ અધિક્ષક (એસપી) પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને માર્કેટિંગ કંપનીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર અને ડાયરેક્ટરને બિહારના સરહદી વિસ્તારમાંથી દબોચી લીધો છે. પકડાયેલો આ શાતિર આરોપી પોલીસની ધરપકડથી બચવા માટે સતત પોતાના રહેણાંકના સરનામા બદલીને દેશના અલગ-અલગ રાજ્યોમાં છૂપાતો ફરતો હતો.
૬ મહિનામાં મુદ્દલ અને સાત મહિનામાં નાણાં ડબલ કરવાની લાલચ આપી:
આ સમગ્ર હાઈપ્રોફાઈલ છેતરપિંડીની ઘટના અંગે આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદ (એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૨૨૬૦૧૦૯/૨૦૨૬, ઇ.પી.કો. કલમ-૩૧૮(૪), ૬૧(૨), ૩(૫) તથા જી.પી.આઇ.ડી. એક્ટ-૨૦૦૩ ની કલમ-૩ અને ધી પ્રાઇઝ ચિટ્સ એન્ડ મની સર્ક્યુલેશન (બેનીંગ) એક્ટ-૧૯︹૭૮ ની કલમ-૪,૫,૬) મુજબ, આરોપીઓએ એક સુનિયોજિત ગુનાહિત કાવતરૂં રચ્યું હતું. “ધ ઈવા ગ્રુપ” નામની માર્કેટિંગ કંપનીમાં નાણાંનું રોકાણ કરવા માટે ફરિયાદી તેમજ અન્ય નિર્દોષ લોકોને લલચાવવામાં આવ્યા હતા. આરોપીઓએ સ્કીમ સમજાવી હતી કે રોકાણ કરેલી રકમ ૬ મહિનામાં મુદ્દલ તરીકે પરત મળશે અને બીજા સાત મહિનાની અંદર તે રકમ ડબલ કરી આપવામાં આવશે. આ લોભામણી સ્કીમમાં આવીને ભોગ બનનારાઓએ કુલ રૂ.૧૮,૪૦,૦૦૦/- નું મોટું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં આરોપીઓએ વિશ્વાસ જીતવા છૂટક-છૂટક રૂ.૩,૦૦,૦૦૦/- પરત આપ્યા હતા, પરંતુ ત્યાર બાદ બાકીના રૂ.૧૫,૪૦,૦૦૦/- પરત ન આપીને આખી રકમ ઓળવી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
૩ રાજ્યોમાં ૪૭૦૦ કિલોમીટર સુધી પીછો અને અગાસીઓ પર દોડધામ:
લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) જયદીપ અનડકટ (જે.જી.અનડકટ) અને તેમની એલ.સી.બી. ટીમ વોન્ટેડ આરોપીઓની સઘન તપાસમાં હતી. તે દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પાકી બાતમી મળી હતી કે કંપનીનો મુખ્ય ડાયરેક્ટર અને આરોપી રાજેશકુમાર રામપ્રસાદ બિંદ (ઉંમર વર્ષ ૩૫, حال રહે. નહેર ફળીયુ, દાદરા અને નગર હવેલી, સેલવાસા; મૂળ રહે. લેદરી ગામ, ચાંદ બ્લોક, કૈમુર જિલ્લો, બિહાર) હાલમાં ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે છૂપાયેલો છે. આ બાતમીના આધારે ડાંગ એલસીબીની એક સ્પેશિયલ ટીમ તાત્કાલિક ઓરિસ્સા જવા રવાના થઈ હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપી ત્યાંથી સરકીને હાવડા (વેસ્ટ બેંગાલ) અને ત્યાંથી ઉત્તર પ્રદેશ-બિહાર બોર્ડર પર આવેલા પોતાના વતન લેદરી ગામ ખાતે ભાગી ગયો હતો. પોલીસ ટીમે હિંમત હાર્યા વગર ટ્રેન, બસ અને ઓટો રિક્ષા મારફતે સતત ૩ રાજ્યોમાં અંદાજિત ૪૭૦૦ કિલોમીટર જેટલી લાંબી અને અતિ કઠિન મુસાફરી કરીને આરોપીના વતન સુધી પીછો ચાલુ રાખ્યો હતો.
લેદરી ગામે આરોપીના ઘર સુધી પહોંચવાના રસ્તાઓ અત્યંત સાંકડા હોવાથી કોઈ પણ સરકારી વાહન ચાલી શકે તેમ નહોતું. આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યરાત્રિના સમયે, ધોધમાર વરસી રહેલા વરસાદમાં ઘૂંટણસમા કાદવ-કિચડ ખૂંદીને પગપાળા ચાલવાનું નક્કી કર્યું હતું. પોલીસે ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરી આરોપીના ઘરને ચારેય તરફથી કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસને જોઈ જતાં જ શાતિર આરોપી રાજેશકુમાર બિંદ પોતાના ઘરની અગાસી પરથી પાછળના ભાગે આવેલી અન્ય ઘરોની અગાસીઓ પર કૂદકા મારીને અંધારામાં ગામ તરફ ભાગવા લાગ્યો હતો. જોકે, એલસીબીના જવાનોએ ચાલુ વરસાદે કાદવ વાળા રસ્તાઓ પર તેનો ફિલ્મી ઢબે પીછો કરીને તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ટ્રાન્ઝિટ પ્રોસિજર પતાવીને આરોપીને વધુ તપાસ અર્થે બિહારથી ગુજરાત લાવી આહવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ પ્રશંસનીય ઓપરેશન પાર પાડનાર પોલીસ ટીમની વિગત:
ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દેશવ્યાપી સફળ ઓપરેશનમાં નીચે મુજબના અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ-રાત જોયા વગર પ્રશંસનીય કામગીરી બજાવી હતી:
૧. પીએસઆઈ જે.જી.અનડકટ
૨. એએસઆઈ રમેશભાઈ બાળુભાઈ પવાર
૩. એએસઆઈ પ્રમોદભાઈ ગનસુભાઈ નીવર
૪. હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પાંડુભાઈ ગાંગુડા
૫. હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ જતરીયાભાઈ ગામીત
૬. હેડ કોન્સ્ટેબલ જયરામભાઇ માહદુભાઇ બાગુલ
૭. પોલીસ કોન્સ્ટેબલ હિનયભાઈ સુરેશભાઈ ગાઈન
૮. પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ મોતીરામભાઈ વાઘેરા
૯. પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ મગનભાઈ પટેલ
૧૦. પોલીસ કોન્સ્ટેબલ ચંદુભાઈ રાજલભાઈ ગાવીત
૧૧. મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગંગુબેન સુકર્યાભાઇ ભોયે
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
