<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

આંખ ઉઘાડનારો કિસ્સો: નોકરી કરવા માટે રશિયા ગયેલા 20 જેટલા યુવક-યુવતીઓને બંધક બનાવાયા :પેટલાદના એજન્ટ સામે આરોપો

રશિયા પહોંચતાની સાથે જ એજન્ટના સાગરીતો દ્વારા પાસપોર્ટ અને દસ્તાવેજો પડાવી લેવાયા:ત્યાં સુરક્ષિત રાખવા અને મુક્ત કરવા માટે માથાદીઠ 500 ડોલરની માંગણી: નાણાં ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી !

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાંથી એક ચોંકાવનારો અને વિદેશ જવા ઈચ્છતા લોકોની આંખ ઉઘાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પેટલાદના એક સ્થાનિક એજન્ટ દ્વારા 20થી વધુ યુવક-યુવતીઓને રશિયામાં ખૂબ જ સારી નોકરી અને ઊંચા પગારની લાલચ આપી વિદેશ મોકલવામાં આવ્યા હતા. જોકે, રશિયા પહોંચ્યા બાદ આ તમામ આશાસ્પદ ગુજરાતીઓ ત્યાં બંધક બની ગયા હોવાની ગંભીર વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

ભોગ બનનારા પીડિતોના પરિવારો દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ, રશિયા પહોંચતાની સાથે જ એજન્ટના સાગરીતો દ્વારા તેઓના પાસપોર્ટ અને દસ્તાવેજો પડાવી લેવાયા હતા. એટલું જ નહીં, ત્યાં સુરક્ષિત રાખવા અને મુક્ત કરવા માટે માથાદીઠ 500 ડોલરની માંગણી કરવામાં આવી રહી છે અને નાણાં ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા પીડિતોએ કોઈક રીતે પોતાના પરિવારનો સંપર્ક કર્યો હતો.

આ સમગ્ર આંતરરાષ્ટ્રીય છેતરપિંડી અને કૌભાંડ મામલે અંતે પીડિત પરિવારોએ હિંમત કરીને પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. વિદેશમાં આટલી મોટી સંખ્યામાં ભારતીયો બંધક બન્યા હોવાથી હવે પોલીસ આ કેસમાં આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના એંગલથી પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

(1:19 PM IST)