તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ નજીક ડિમોલિશન પહેલા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
ઇન્દિરા આવાસ યોજના હેઠળ 40 વર્ષ પહેલા ફાળવવામાં આવેલા પ્લોટ પર અનેક સનદધારકોએ 50 વારની મર્યાદા ઓળંગીને 100 થી 150 વાર સુધીનું ગેરકાયદેસર બાંધકામ કરી લીધું હોવાનું સામે આવતા આ કાર્યવાહી શરૂ કરાઈ

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ નજીક શિવનગર ખાતે આજે AMC દ્વારા હાઇકોર્ટના આદેશનું પાલન કરતા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્દિરા આવાસ યોજના હેઠળ 40 વર્ષ પહેલા ફાળવવામાં આવેલા પ્લોટ પર અનેક સનદધારકોએ 50 વારની મર્યાદા ઓળંગીને 100 થી 150 વાર સુધીનું ગેરકાયદેસર બાંધકામ કરી લીધું હોવાનું સામે આવતા આ કાર્યવાહી શરૂ કરાઈ છે.
આ ડિમોલિશન પૂર્વે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું અને લોકોએ વિરોધ કરતા અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે, સરકાર દ્વારા પાત્ર કુટુંબોને પુનર્વસન તરીકે 61 ચો.મી.ના મકાન અને જ્યાં સુધી નવું ઘર ન મળે ત્યાં સુધી દર મહિને રુ. 10,000 ભાડું આપવાની તૈયારી હોવા છતાં મકાનો ખાલી ન થતા અંતે તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરી છે.
આજે સવારે પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના કાફલા સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 40 વર્ષ પહેલા 37 સનદધારકોને ફાળવાયેલા પ્લોટ સામે હાલમાં સર્વે મુજબ આશરે 65 કુટુંબો વસવાટ કરી રહ્યા છે. તંત્ર દ્વારા સ્થાનિકોને માત્ર 20 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી.
સ્થાનિકોએ પોતાની તૈયારી બતાવતા દબાણ દૂર કરવા માટે થોડો વધારાનો સમય માગ્યો હતો, પરંતુ કોર્પોરેશન પોતાના નિર્ણય પર મક્કમ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ જમીન પર આગામી સમયમાં 'સરદાર પટેલ સ્પોર્ટ એન્ક્લેવ'નું નિર્માણ થનાર છે, જેના કારણે આ દબાણો દૂર કરવા ખૂબ જ અનિવાર્ય બન્યા છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
