News of Saturday, 6th June 2026
ઉમરગામ રેલવે સ્ટેશનને મોટી ભેટ: ફ્લાઈંગ રાણી એક્સપ્રેસને સ્ટોપેજ મંજૂર:હજારો દૈનિક મુસાફરોને મળશે રાહત
સાંસદ ધવલ પટેલની રજૂઆત સફળ : લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી અપાઈ

ઉમરગામ અને સંજાણ વિસ્તારના હજારો દૈનિક મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે લોકપ્રિય ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ નિર્ણય પાછળ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતો મહત્વપૂર્ણ રહી હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ, સાંસદ ધવલ પટેલે નવી દિલ્હીમાં અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી ઉમરગામ ખાતે ફ્લાઈંગ રાણી એક્સપ્રેસના સ્ટોપેજની માંગણી કરી હતી. વિસ્તારના મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ઉમરગામ તાલુકો દક્ષિણ ગુજરાતના મહત્વના ઔદ્યોગિક વિસ્તારોમાંનો એક ગણાય છે. અહીંથી મોટી સંખ્યામાં શ્રમિકો, નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ રોજિંદી અવરજવર માટે સુરત, વાપી અને મુંબઈ તરફ મુસાફરી કરે છે. ફ્લાઈંગ રાણી એક્સપ્રેસના સ્ટોપેજથી આ તમામ વર્ગને સીધો લાભ મળશે.
સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે વિસ્તારના લોકોને વધુ સારી રેલવે સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ઉમરગામના ઝડપી ઔદ્યોગિક વિકાસ, વધતી વસ્તી અને મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી હતી, જે હવે સફળ સાબિત થઈ છે.
જો કે, વલસાડ જિલ્લામાં વસતા પરપ્રાંતિય લોકો માટે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યા વધારવાની માંગ હજુ પણ વર્ષોથી યથાવત છે. સ્થાનિકોનું માનવું છે કે મુસાફરોની વધતી જરૂરિયાત સામે રેલવે વિભાગ હજુ પૂરતી નવી ટ્રેનો કે વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સફળ થયો નથી.
મુસાફરોને થતા મુખ્ય લાભ
સુરત-મુંબઈ રૂટ પર મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે.
દૈનિક અપ-ડાઉન કરતા શ્રમિકો અને નોકરીયાતોને સીધો લાભ મળશે.
મુસાફરીના સમય અને ખર્ચમાં ઘટાડો થવાની સંભાવના રહેશે.
વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ માટે આવન-જાવન વધુ સરળ બનશે.
ઉમરગામ-સંજાણ વિસ્તારની રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
ફ્લાઈંગ રાણી એક્સપ્રેસને ઉમરગામ ખાતે સ્ટોપેજ મળતા સમગ્ર વિસ્તારના મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને વિસ્તારના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
