તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
પરસ્પર સંમતિથી બંધાયેલા સંબંધોને દુષ્કર્મ ન કહી શકાયઃ સેશન્સ કોર્ટ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને છેતરપિંડીના કેસમાં કોર્ટે આરોપીને આપ્યો શંકાનો લાભ

અમદાવાદ,તા.૬: લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા તેમજ લાખો રૂપિયાની છેતરપિડી કરવાના ગંભીર આક્ષેપો હેઠળ સંડોવાયેલા આરોપીને અમદાવાદની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. અદાલતે ચુકાદામાં નોંધ્યું હતું કે, ફરિયાદી મહિલા પુખ્ત વયની હોવાથી પોતાની સાથે શું થઈ રહ્યું છે તેની પૂરી સમજ ધરાવતી હતી અને આ કેસમાં શારીરિક સંબંધો પરસ્પર સંમતિથી બંધાયા હોવાનું જણાય છે તેથી તે દુષ્કર્મ ન કહી શકાય. ફરિયાદી પક્ષ આરોપી વિરુદ્ધના આક્ષેપો નિઃશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ રહેતા, કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી તમામ કલમો હેઠળના ગુનામાંથી મુક્ત કરવો ન્યાયોચિત જણાય છે.
આ કેસની વિગત એવી હતી કે, નરોડા પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે વર્ષ ૨૦૨૧માં ફેસબુક દ્વારા ફરીથી સંપર્કમાં આવેલા આરોપી કૌશિકભાઈ દિલીપભાઈ શાહે મહિલાને લગ્નની લાલચ આપી હતી. આરોપીએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવાની વાત કરી ફરિયાદી સાથે વિવિધ હોટલો અને ભાડે રાખેલા મકાનોમાં અવાર-નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. વધુમાં, આરોપીએ પોતાની પુત્રીને કેનેડા મોકલવાના બહાને ફરિયાદી પાસેથી અંદાજે રૂ.૧૫.૭૧ લાખ જેટલી રકમ મેળવી હોવાનો અને બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ હતો.
આ કેસ ચાલવા પર આવ્યો ત્યારે આરોપીના એડવોકેટ કેવીન એન.પટેલે, વિપુલ.એમ. પટેલે કોર્ટમાં દલીલ કરી હતી કે, ફરિયાદી અને આરોપી વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે પરસ્પર સંમતિથી બંધાયેલા હતા. ફરિયાદી પુખ્ત વયની હોવાથી તેને સારા-નરસાની તમામ ખબર હતી. પ્રથમ વખત જ્યારે હોટલમાં શારીરિક સંબંધો બંધાયા ત્યારે આરોપીએ લગ્નની કોઈ લાલચ આપી નહોતી. તેથી તેને ‘દુષ્કર્મ'ની વ્યાખ્યામાં લાવી શકાય નહીં. ફરિયાદી જાણતી હતી કે આરોપી પરિણીત છે અને તેના છૂટાછેડા થયા નથી, તેમ છતાં તેણે પોતાની મરજીથી આરોપી સાથે રહેવાનું અને સંબંધો બાંધવાનું ચાલુ રાખ્યું હતું. ફરિયાદીએ ૧૫ લાખથી વધુની રકમ આપી હોવાનો આક્ષેપ કર્યો છે, પરંતુ તે રકમ ક્યાંથી આવી, કઈ રીતે આપી અને તેની આવકનોસ્ત્રેત શું હતો તે અંગેનો કોઈ જ દસ્તાવેજી પુરાવો કે બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવામાં આવ્યું નથી. ઘટનાના લાંબા સમય બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે દર્શાવે છે કે આ ફરિયાદ માત્ર આરોપીને પરેશાન કરવાના ઈરાદે કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસે એવી કોઈ હોટલ કે ભાડે રાખેલા મકાનના પુરાવા એકત્ર કર્યા નથી જ્યાં આરોપી અને ફરિયાદી સાથે રહ્યા હોય. તેમજ સાક્ષીઓના નિવેદનોમાં પણ અનેક વિસંગતતાઓ જોવા મળે છે. આમ આરોપી સામે કેસ સાબિત ન થતો હોવાથી નિર્દોષ છોડવો જોઇએ.
પુખ્તતા અને સંમતિઃ ફરિયાદી મહિલા પુખ્ત વયની અને ૨૨ વર્ષના પુત્રની માતા હોવાથી પોતાનું હિત સમજી શકે તેમ હતી. પ્રથમ વખત હોટલમાં બાંધેલા શારીરિક સંબંધ વખતે કોઈ પણ પ્રકારની લગ્નની લાલચ આપવામાં આવી નહોતી, જે દર્શાવે છે કે સંબંધો પરસ્પર સંમતિથી બંધાયા હતા.
જાણકારીઃ ફરિયાદી જાણતી હતી કે આરોપી પરિણીત છે અને તેના છૂટાછેડા થયા નથી, તેમ છતાં તેણે આરોપી સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા, જે તેની વર્તણૂક પર શંકા પ્રેરે છે
પુરાવાનો અભાવઃ ફરિયાદ પક્ષે હોટલમાં રહેવા અંગેના કે મકાન ભાડે રાખ્યા અંગેના કોઈ નક્કર દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા નહોતા
પૈસા આપ્યાના પુરાવા નહીં: ફરિયાદીએ જે રૂ.૧૫.૭૧ લાખ આપ્યાનો દાવો કર્યો હતો, તે અંગેના કોઈ સબળ દસ્તાવેજી પુરાવા કે ઇન્કમ ટેક્સ રિટર્નની વિગતો કોર્ટમાં રજૂ કરી શકાઈ નહોતી.
સાક્ષીઓની વિસંગતતાઃ તબીબી પુરાવા કે તપાસ કરનાર અધિકારીઓની જુબાનીથી પણ એવું સાબિત થતું નહોતું કે આરોપીએ જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હોય.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
