<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

સુરતના પીપોદરા નજીક નેશનલ હાઇવે 48 પર બેકાબૂ ટ્રકે એક કાર અને બે બાઇકને અડફેટે લીધા : બાઈક સવારનું મોત

અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇકના કુચ્ચેકુચ્ચા ઊડી ગયા હતા, પરંતુ સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર એક ગમખ્વાર અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીક એક અનિયંત્રિત ટ્રક ચાલકે કાળો કેર વર્તાવતા એક કાર અને બે મોટરસાઇકલને જોરદાર અડફેટે લીધા હતા. આ ત્રિપલ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં અકસ્માત કેટલો ભયાનક હતો તે સ્પષ્ટ જોઈ શકાય છે.

હાઇવે પરથી પસાર થઈ રહેલી એક બેકાબૂ ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલા વાહનો પર ટ્રક ચડાવી દીધી હતી. ટ્રકે એક પછી એક એમ બે બાઇક અને એક કારને જોરદાર ટક્કર મારીને કચડી નાખ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં એક મોટરસાઇકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાઇક પર સવાર અન્ય ૨ વ્યક્તિઓને પણ નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇકના કુચ્ચેકુચ્ચા ઊડી ગયા હતા, પરંતુ સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેઓ સુરક્ષિત બહાર આવી ગયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

(1:05 AM IST)