<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

બોટાદમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપની કડક કાર્યવાહી :પૂર્વ કોર્પોરેટર છત્રજીતભાઈ સહિત 4 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

બોટાદ જિલ્લા ભાજપના આ આકરા વલણથી બળવાખોર (Rebel) નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો

બોટાદ જિલ્લામાં ભાજપ દ્વારા પક્ષના શિસ્તનો ભંગ કરનારા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા ચાર સક્રિય કાર્યકરો સામે લાલ આંખ કરવામાં આવી છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે તાત્કાલિક અસરથી આ ચાર સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ નિર્ણયને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 9 ના પૂર્વ કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલએ પક્ષના આદેશ વિરુદ્ધ જઈને વોર્ડ નંબર 9 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ હંમેશા શિસ્તબદ્ધ સંગઠન તરીકે ઓળખાય છે, ત્યારે પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે જ બગાવત કરવી તેમને ભારે પડી છે. જિલ્લા સંગઠને આ બાબતને ગંભીરતાથી લઈને તેમને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી મુક્ત કર્યા છે

 

બોટાદ શહેર જ નહીં, પરંતુ રાણપુર વિસ્તારમાં પણ ભાજપે કડક વલણ અપનાવ્યું છે. રાણપુરના વિજયભાઈ ઘાઘરેટીયાએ પણ પક્ષની વિચારધારાથી અલગ જઈને અપક્ષ તરીકે ફોર્મ ભરતા તેમને પણ 6 વર્ષ માટે ઘરભેગા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રેણુકાબેન સવાણી અને જસુભાઈ સવાણી  સામે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના પુરાવા મળતા જિલ્લા પ્રમુખ મયુર પટેલે તેમને સસ્પેન્ડ કર્યા છે.

ચૂંટણીના માહોલ વચ્ચે લેવાયેલો આ નિર્ણય અન્ય કાર્યકરો માટે પણ એક ચેતવણી સમાન છે. બોટાદ જિલ્લા ભાજપના આ આકરા વલણથી બળવાખોર નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં સંગઠન વધુ મજબૂતીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તેવા સંકેતો મળી રહ્યા છે.

(3:52 PM IST)