<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

પાટણ કોંગ્રેસમાં આંતરિક કલહ વિસ્ફોટક બન્યો: ગેરવર્તન બદલ મહિલા પ્રમુખ પક્ષમાંથી સસ્પેન્ડ

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ વચ્ચે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ:શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ મુમતાઝબાનુ શેખને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

પાટણ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ મુમતાઝબાનુ શેખને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ, ઉમેદવારી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે મુમતાઝબાનુએ પાટણ શહેર કોંગ્રેસના કન્વીનર મઘુભાઈ પટેલ સાથે જાહેરમાં ઉગ્ર બોલાચાલી અને ગેરવર્તન કર્યું હતું. આ ઘટનાને પગલે પક્ષના કાર્યકરો અને આગેવાનોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું.

આ આંતરિક શિસ્તભંગની ઘટનાને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગંભીરતાથી લીધી છે. જિલ્લા પ્રમુખ ગેમર રબારીએ પક્ષની છબી ખરડાય તેવું વર્તન કરવા બદલ મુમતાઝબાનુ શેખ સામે લાલ આંખ કરી છે. તેમણે મુમતાઝબાનુને પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિતના તમામ હોદ્દાઓ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ગેમર રબારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી જેવા મહત્વના સમયે જાહેરમાં પક્ષના જ હોદ્દેદાર સાથે અભદ્ર વર્તન ચલાવી લેવામાં આવશે નહીં.

એક તરફ કોંગ્રેસ ભાજપ સામે મજબૂતીથી લડવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ પાટણ શહેર મહિલા પ્રમુખનું સસ્પેન્શન પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જાહેરમાં થયેલા આ વિવાદથી કોંગ્રેસની શિસ્ત પર સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે મહિલા પ્રમુખની હકાલપટ્ટીથી ચૂંટણીના ગણિત પર અસર પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ સસ્પેન્શન બાદ પાટણ કોંગ્રેસમાં પડેલા ગાબડાને પક્ષ કેવી રીતે પુરે છે.

(12:48 AM IST)