<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

પાલનપુરમાં જિલ્લા કોર્ટ સહિતની તમામ અદાલતોને 8 કિલોમીટર દૂર જગાણા ખાતે ખસેડવા હિલચાલથી વકીલોનો કાળી પટ્ટી બાંધી વિરોધ

વકીલ મંડળ દ્વારા આ નિર્ણયનો સખત વિરોધ: માત્ર વકીલો જ નહીં પરંતુ સામાન્ય અરજદારોની મુશ્કેલીઓ વધશે : જો સરકાર કે સંબંધિત વિભાગ દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ પ્રચંડ બનશે

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી જિલ્લા કોર્ટ સહિતની તમામ અદાલતોને 8 કિલોમીટર દૂર જગાણા ખાતે ખસેડવાની હિલચાલ તેજ થતા વકીલોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વકીલ મંડળ દ્વારા આ નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ ફેરફારથી માત્ર વકીલો જ નહીં પરંતુ સામાન્ય અરજદારોની મુશ્કેલીઓમાં પણ ધરખમ વધારો થશે. અનેક રજૂઆતો છતાં પ્રક્રિયા ચાલુ રહેતા આજે વકીલોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

 

પાલનપુરથી જગાણાનું અંતર અંદાજે 8 કિલોમીટર જેટલું થાય છે. વકીલોનું કહેવું છે કે જો તમામ અદાલતો આટલી દૂર ખસેડવામાં આવશે, તો અરજદારો માટે ત્યાં પહોંચવું આર્થિક અને શારીરિક રીતે કષ્ટદાયક બનશે. હાલમાં પાલનપુરના મધ્યમાં કોર્ટ હોવાથી લોકોને અવરજવરમાં સરળતા રહે છે, પરંતુ શહેરની બહાર જવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને સમય બંને બગડશે. ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ ગામડાઓમાંથી આવતા અરજદારો માટે આ નિર્ણય પડ્યા પર પાટુ સમાન સાબિત થશે.

 

વકીલોની દલીલ છે કે અત્યારે પાલનપુરમાં જિલ્લાની તમામ મહત્વની વહીવટી કચેરીઓ અને કોર્ટ એક જ સંકુલની આસપાસ કાર્યરત છે. આ એકીકૃત વ્યવસ્થાને કારણે અરજદારોને એક જ ધક્કે વિવિધ વહીવટી અને ન્યાયિક કામો પતાવવામાં સરળતા રહે છે. જો કોર્ટને જગાણા ખસેડવામાં આવશે, તો વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર વચ્ચેનું અંતર વધી જશે, જે આખરે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ અને અવ્યવસ્થા ઉભી કરી શકે છે.

 

લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોને તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવતા વકીલ મંડળ હવે લાલઘૂમ થયું છે. વિરોધના પ્રથમ તબક્કા તરીકે વકીલોએ કામકાજ દરમિયાન કાળી પટ્ટી પહેરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વકીલોનું માનવું છે કે જગાણા ખાતે કોર્ટ લઈ જવાનો નિર્ણય ઉતાવળિયો અને જનવિરોધી છે. વકીલ મંડળે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ હિલચાલ તાત્કાલિક અસરથી રોકવામાં નહીં આવે, તો તેઓ કોર્ટની કામગીરીથી અલિપ્ત રહી ઉગ્ર આંદોલન છેડશે.

 

વકીલોના મતે, આ માત્ર વ્યવસાયિક પ્રશ્ન નથી પરંતુ લોકહિતનો મુદ્દો છે. જો સરકાર કે સંબંધિત વિભાગ દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ પ્રચંડ બનશે. વકીલો હવે આ મામલે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. પાલનપુરના ન્યાયિક ઇતિહાસમાં આ વિરોધ એક મહત્વનું વળાંક સાબિત થઈ શકે છે, કારણ કે આમાં હજારો અરજદારોનું હિત જોડાયેલું છે.

(9:22 PM IST)