<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ગોધરામા મજૂર અદાલતનો ઐતિહાસિક ચુકાદો, હાલોલની ગુજરાત ફિલામેન્ટ લિ.ને 100 કામદારોને ₹4.62 કરોડ ચૂકવવા આદેશ

ગેરકાયદેસર ક્લોઝર મામલે કામદારોનો વિજય : કંપનીને 30 દિવસમાં બાકી પગાર ચૂકવવા હુકમ, લિક્વિડેશનની દલીલ ફગાવી, 4 મૃત કર્મચારીઓની અરજી નામંજૂર

ગોધરા તા.૧૩ :  ગોધરા મજૂર અદાલતે હાલોલ સ્થિત ગુજરાત ફિલામેન્ટ લિમિટેડના ગેરકાયદેસર ક્લોઝર મામલે કામદારોના પક્ષમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે કંપનીને 100 કામદારોને બાકી નીકળતા કુલ ₹4,62,07,396 ની રકમ 30 દિવસની અંદર ચૂકવી આપવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે. આ સાથે અરજી ખર્ચ પેટે ₹5,000 ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસ અખિલ ગુજરાત જનરલ મજદૂર સંઘ દ્વારા કામદારોના હિતમાં ગોધરા મજૂર અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો.

 

અરજદારોની દલીલ મુજબ, હાલોલની ગુજરાત ફિલામેન્ટ લિ.માં 100 જેટલા કામદારો કાર્યરત હતા. કંપનીએ ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે ક્લોઝર જાહેર કરી દીધું હતું અને મજૂરોને બાકી પગાર ચૂકવ્યા વિના જ કંપની બંધ કરી દેવાઈ હતી. અરજદાર પક્ષે અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે કંપનીમાં 100થી વધારે કામદારો કામ કરતા હોવાથી નિયમ અનુસાર ક્લોઝર માટે સરકારની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય હતી, જે લેવામાં આવી ન હતી. તેથી કંપની ચાલુ હોય ત્યારે કામદારોને પગાર મેળવવાનો કાયદેસરનો હક બને છે.

 

સામે પક્ષે કંપનીએ દલીલ કરી હતી કે અરજી મોડેથી દાખલ થઈ હોવાથી સમયસીમા વટાવેલી ગણાય અને કોઈ સત્તાધિકારીએ ક્લોઝરને ગેરકાયદેસર ઠરાવ્યું નથી. કંપનીએ એમ પણ જણાવ્યું કે સંસ્થા હાલ લિક્વિડેશનની પ્રક્રિયામાં છે, મોટાભાગની મિલકતો વેચાઈ ચૂકી છે અને પૂરતું ભંડોળ ઉપલબ્ધ ન હોવાથી કામદારોના દાવા ચૂકવી શકાય તેમ નથી.

 

બંને પક્ષોની દલીલો અને પુરાવાઓનું વિશ્લેષણ કર્યા બાદ અદાલતે સ્પષ્ટ કર્યું કે કંપનીએ કાયદેસર પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ ક્લોઝર કર્યું હતું, તેથી કામદારોને બાકી પગાર મેળવવાનો કાયદેસર હક છે. અદાલતે આ કેસને "પ્રી-એક્ઝિસ્ટિંગ રાઈટ" આધારિત માનીને ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ 33(C)(2) હેઠળ અરજીને માન્ય રાખી હતી. જોકે ચાર કર્મચારીઓના અવસાનને કારણે તેમની અરજી રદ જાહેર કરી તે ભાગ નામંજૂર કરવામાં આવ્યો છે. આ ચુકાદાને મજૂર જગતમાં મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.

(3:41 PM IST)