તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
વડોદરા ભાજપમાં 'વંશવેલો' ખીલ્યો: 'પરિવારવાદ' વિરુદ્ધ ભાષણ આપતી પાર્ટીએ નેતાઓના સંતાનોને લહાણી કરી, પાયાના કાર્યકરોમાં ભારે ગણગણાટ!
સંસ્કારી નગરીમાં 'સંતાનવાદ': પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેટરોના પુત્ર-પુત્રીઓ સહિત 8 વારસદારોને મેદાનમાં ઉતારતા વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદના એંધાણ

વડોદરા: વડોદરા ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ 'પરિવારવાદ'નો મોટો ધડાકો થયો છે. જે પક્ષ હંમેશા કોંગ્રેસ પર પરિવારવાદના પ્રહારો કરતો રહ્યો છે, તે જ ભાજપે વડોદરામાં ચૂંટણી જીતવા માટે દિગ્ગજ નેતાઓના સંતાનો અને સગા-સંબંધીઓ પર ભરોસો મૂક્યો છે. વડોદરા મહાનગરપાલિકાની જંગ માટે જાહેર થયેલા નામોમાં પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ કોર્પોરેટરોના પરિવારના જ 8 જેટલા સભ્યોને ટિકિટ આપીને પક્ષે રિવર્સ ગિયર લગાવ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
દિગ્ગજોના વારસદારોનો દબદબો
ભાજપની આ યાદીમાં અનેક એવા નામો છે જેઓ સીધી રીતે રાજકીય વગ ધરાવતા પરિવારોમાંથી આવે છે. પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિના પુત્ર ઉપેન્દ્ર પ્રજાપતિ અને જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયાને ટિકિટ મળી છે. આટલું જ નહીં, RSSના પૂર્વ સંઘ ચાલક નારાયણ શાહની પુત્રી અર્ચના પટેલને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પૂર્વ કોર્પોરેટરોના સંતાનોમાં પવન હેમનાની, કૃણાલ પટેલ, નિધી પટેલ અને રાજેશ આયરેના પુત્ર શ્રીરંગ આયરેનો સમાવેશ થાય છે, જ્યારે કંચન રાયના પુત્રવધુ દક્ષિતા રાયને પણ ટિકિટની લહાણી કરવામાં આવી છે.
નિષ્ઠાવાન કાર્યકરોમાં 'હોળી પહેલા હોળી' જેવો માહોલ
એક તરફ ભાજપ હાઈકમાન્ડ 'નો રિપીટ થિયરી' અને 'સામાન્ય કાર્યકરની કદર'ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ વડોદરામાં નેતાઓના સંતાનોને 'પેરાશૂટ' ઉમેદવાર તરીકે ઉતારવામાં આવતા વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડનારા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાયાના કાર્યકરોમાં એવી ચર્ચા છે કે, શું પક્ષમાં નેતાઓના સંતાન હોવું એ જ ટિકિટ મેળવવાની સૌથી મોટી લાયકાત બની ગઈ છે?
શું 'વંશવેલો' જીત અપાવશે?
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપે જીત નિશ્ચિત કરવા માટે જૂના જોગીઓના પ્રભાવનો ઉપયોગ કરવા આ માર્ગ અપનાવ્યો છે, પરંતુ આ નિર્ણય પક્ષમાં આંતરિક જૂથવાદ અને અસંતોષની જ્વાળા ભડકાવી શકે છે. 'ગિફ્ટ'માં મળેલી આ ટિકિટો ભાજપના કમિટેડ ગણાતા મતદારોને કેટલી પચશે અને પાયાના કાર્યકરો ચૂંટણી પ્રચારમાં કેટલો સાથ આપશે, તેના પર હવે સૌની મીટ મંડાણી છે. વડોદરાની આ બેઠકો પર હવે રસાકસી જામવાની પૂરી શક્યતા છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
