<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

પાટણમાં ભાજપ ઉમેદવારનો અનોખો દેશી અંદાજ : ધીણોજ બેઠક પર ભાવિક પટેલે એસી કાર છોડી બળદગાડામાં સવાર થઈ ઉમેદવારી ફોર્મ ભર્યું

આધુનિક સંસાધનોનો ત્યાગ કરી પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખતા ભાજપ નેતાની એન્ટ્રીએ સૌને ચોંકાવ્યા : ડબલ એન્જિન સરકારની તાકાતથી વિસ્તારના વિકાસના કામો વેગવંતા બનાવવાની મતદારોને ખાતરી

પાટણ: ચૂંટણીના જંગમાં સામાન્ય રીતે નેતાઓ લક્ઝુરિયસ ગાડીઓના કાફલા અને પાવર પેક્ડ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા આવતા હોય છે, પરંતુ પાટણની ધીણોજ જિલ્લા પંચાયત બેઠક પર કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર ભાવિક પટેલે આધુનિકતાના ઝાકઝમાળને બાજુએ મૂકી, ગામઠી સંસ્કૃતિના પ્રતીક સમાન બળદગાડામાં સવાર થઈને ફોર્મ ભરવા પહોંચી સૌને અચંબિત કરી દીધા હતા. આ અનોખા અભિગમે સ્થાનિક મતદારોમાં કુતૂહલની સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું.

ભાવિક પટેલ ચાણસ્મા હાઈવેથી મામલતદાર કચેરી સુધી બળદગાડામાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા. આ રેલીમાં જોડાયેલા મોટી સંખ્યામાં સમર્થકો અને ભાજપના કાર્યકરો પણ ઉમેદવારના આ દેશી અંદાજથી ઉત્સાહિત જણાતા હતા. પરંપરાગત રીતિ-રિવાજોને મહત્વ આપતી આ રેલી માર્ગમાં જ્યાંથી પણ પસાર થઈ, ત્યાં લોકોના ટોળા આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા. ભાવિક પટેલે આ પ્રકારે ફોર્મ ભરીને ગ્રામીણ મતદારો અને જૂની પરંપરાઓ સાથે પોતાનું જોડાણ હોવાનો સંકેત આપ્યો છે.

નામાંકન પત્ર ભર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, તેમનું લક્ષ્ય ધીણોજ વિસ્તારનો સર્વાંગી વિકાસ છે. તેમણે મતદારોને વિશ્વાસ અપાવ્યો હતો કે કેન્દ્ર અને રાજ્યમાં 'ડબલ એન્જિન'ની સરકાર હોવાથી વિસ્તારના અટકેલા કામોને તેજ ગતિએ પૂર્ણ કરવામાં આવશે. સ્થાનિક લોકોની સમસ્યાઓને સમજીને તેને વાચા આપવી એ તેમની પ્રાથમિકતા રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

જ્ઞાતિગત સમીકરણોની દ્રષ્ટિએ આ બેઠક પર ઠાકોર અને પાટીદાર સમાજનું વર્ચસ્વ છે, ત્યારે ભાવિક પટેલની આ રણનીતિ તેમને જમીની સ્તરે કેટલી મજબૂતી આપે છે તે પરિણામો બાદ સ્પષ્ટ થશે. હાલ તો બળદગાડા પર સવાર થઈને ફોર્મ ભરવા ગયેલા આ નેતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

(4:01 PM IST)