તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
ગાંધીનગરમાં સે.-22માં તપાસ કરતાં મોટો ખુલાસો :મંત્રીઓના સ્ટાફ દ્વારા સરકારી આવાસ પેટા ભાડે આપી દેવાયાં
સરકારી આવાસો પેટા ભાડે આપી દેવાની પ્રવૃત્તિ રોકવા માટે સરકારની ફ્લાઇંગ સ્કવોડે તપાસ તેજ કરી અને સરકાર હવે આ કર્મચારીઓ પાસેથી બજાર કિંમત મુજબ ભાડું વસૂલવાની કાર્યવાહી કરી રહી છે ?

ગાંધીનગરમાં સરકારી આવાસો પેટા ભાડે આપી દેવાની પ્રવૃત્તિ રોકવા માટે સરકારની ફ્લાઇંગ સ્કવોડે તપાસ તેજ કરી છે. સેક્ટર-22માં કરવામાં આવેલી તપાસ દરમિયાન ચાર સરકારી આવાસોમાં અન્ય લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતુ.
આ કિસ્સાઓમાં બે આવાસ મંત્રીઓના સ્ટાફના કર્મચારીઓએ અને એક આવાસ પોલીસ કોન્સ્ટેબલે ભાડે આપ્યું હતું. સરકાર હવે આ કર્મચારીઓ પાસેથી બજાર કિંમત મુજબ ભાડું વસૂલવાની કાર્યવાહી કરી રહી છે.
પાટનગરમાં કર્મચારીઓ માટે રહેણાંકના મકાનોની અછત હોવા છતાં અનેક લોકોએ પોતાના નામે ફાળવાયેલા મકાનો અન્યને ભાડે આપી દીધા હતા. પાટનગર યોજના વિભાગની ટીમે સે.-22માં તપાસ કરી ત્યારે મંત્રીમંડળ સાથે જોડાયેલા કર્મચારીઓના રહેઠાણમાં પેટા ભાડૂઆતો મળી આવ્યા હતા. અગાઉ સે.-29માં પણ આવા ત્રણ કિસ્સા સામે આવ્યા હતા.
આ કર્મચારીઓ પોતાને મળેલા મકાનનો ઉપયોગ કરવાને બદલે તેમાંથી આવક મેળવતા હોવાનું સાબિત થયું હતુ. મંત્રીઓના સ્ટાફને ફાળવવામાં આવતા મકાનોની વ્યવસ્થા સામાન્ય વહીવટ વિભાગ હસ્તક હોય છે.
આ કર્મચારીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી તંત્ર માટે તેમની પાસે મકાન ખાલી કરાવવું પડકારજનક બને છે. અનેક કિસ્સામાં સમય મર્યાદા પૂરી થયા પછી પણ મકાનો ખાલી કરવામાં આવતા નથી. માર્ગ અને મકાન વિભાગ પાસે મંત્રીઓના સ્ટાફ પાસેથી રૂપિયા વસૂલવાની સીધી સત્તા ન હોવાથી આ બાબત હવે સરકારમાં મોકલવામાં આવી હતી.
તંત્ર દ્વારા કરાયેલી આ તપાસમાં પોલીસ કર્મચારીની સંડોવણી પણ સામે આવી હતી. હાલમાં ફ્લાઇંગ સ્કવોડ દ્વારા તમામ વિગતો ભેગી કરીને જે તે વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો.
જે કર્મચારીઓએ આવાસ ભાડે આપ્યા છે તેમની પાસેથી દંડ અને બજાર ભાવ મુજબ વસૂલાત કરાશે. સરકાર હવે આગામી દિવસોમાં અન્ય સેક્ટરોમાં પણ આવી તપાસ ચાલુ રાખવાની તૈયારી કરી રહી છે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
