<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ગુજરાતના ઔદ્યોગિક એકમો માટે બલ્ક બિન-ઘરેલું એલપીજી પુરવઠાના નિયમોમાં રાજ્ય સરકારનો મહત્વનો સુધારો

ફાર્મા, સ્ટીલ અને સિરામિક સહિતના ઉદ્યોગોને વપરાશના ૭૦ ટકા સુધી ગેસ મળશે : શ્રમિકોને પાંચ કિલોના સિલિન્ડર આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને

ગાંધીનગર:ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને ગેસ પુરવઠાની વ્યવસ્થાને વધુ સુચારુ તેમજ કાર્યક્ષમ બનાવવા માટે એલપીજી પુરવઠાના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારાની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પગલે રાજ્યના વિવિધ ઔદ્યોગિક એકમો માટે નવી ફાળવણી નીતિ અમલી બનાવવામાં આવી છે.

નવા નિયમો અનુસાર, રાજ્યના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો જેવા કે ફાર્મા, ફૂડ, પોલિમર, કૃષિ, પેકેજિંગ, પેઇન્ટ, સ્ટીલ, સિરામિક, ગ્લાસ અને એરોસોલ સહિતના એકમોને હવે માર્ચ ૨૦૨૬ પહેલાના તેમના વપરાશ સ્તરના ૭૦ ટકા સુધી બલ્ક બિન-ઘરેલું એલપીજી મળી શકશે. આ સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટે પુરવઠાની કુલ મર્યાદા ૦.૨ ટીએમટી પ્રતિ દિવસ નક્કી કરવામાં આવી છે.

ફાળવણી માટેની શરતો અને પ્રાથમિકતા:
આ નવી વ્યવસ્થા હેઠળ ફાળવણી માટે કેટલીક અનિવાર્ય શરતો પણ નિર્ધારિત કરવામાં આવી છે. એવા એકમોને પુરવઠામાં પ્રાથમિકતા આપવામાં આવશે જ્યાં ઉત્પાદન પ્રક્રિયામાં એલપીજીનો ઉપયોગ અનિવાર્ય હોય અને કુદરતી ગેસ તેનો સક્ષમ વિકલ્પ બની શકે તેમ ન હોય. આ સુવિધા મેળવવા ઈચ્છતા તમામ એકમોએ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની (OMC) પાસે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ ઉપરાંત, સંબંધિત એકમોએ સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ પાસે પીએનજી કનેક્શન માટે અરજી કરેલી હોવી જરૂરી છે. જોકે, જે કિસ્સામાં એલપીજી એ ઉત્પાદન પ્રક્રિયાનો અભિન્ન ભાગ હોય, તેમને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવશે.

શ્રમિક કલ્યાણમાં ગુજરાત દેશમાં મોખરે:
ઔદ્યોગિક પ્રગતિની સાથે શ્રમિકોના હિત માટે પણ રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઔદ્યોગિક શ્રમિકો માટે ગુજરાત રાજ્યમાં ૫ કિલોના કુલ ૯૮,૮૮૩ સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે. રાજ્યના મુખ્ય ઔદ્યોગિક જિલ્લાઓમાં શ્રમિકોને આ સુવિધાનો લાભ મળી રહ્યો છે. સરકારના આ મહત્વના સુધારાથી આગામી સમયમાં રાજ્યના ઉદ્યોગોને ઇંધણની પૂરતી સુવિધા મળશે અને ઉત્પાદન પ્રક્રિયા વધુ વેગવંતી બનશે.

(6:12 PM IST)