તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
ગાંધીનગર: ‘શ્રી કમલમ’ ખાતે ભાજપનો કેસરિયો માહોલ, સૌરાષ્ટ્રના યુવા ખેડૂત અગ્રણી રાજુભાઈ કરપડા સેંકડો સમર્થકો સાથે પક્ષમાં જોડાયા
પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ખેસ ધારણ કરી વિધિવત પ્રવેશ; આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે તેવો આશાવાદ

ગાંધીનગર: ગુરુવાર, તા. ૦૯-૦૪-૨૦૨૬ ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’ કોબા ખાતે આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના જાણીતા યુવા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ આજે તેમના સેંકડો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. પક્ષના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજુભાઈ અને તેમના ટેકેદારોએ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપની વિચારધારા સાથે ચાલવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
*વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં ઉમળકાભેર સ્વાગત*
રાજુભાઈ કરપડા અને તેમના સમર્થકોને ભાજપમાં આવકારવા માટે પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયસિંહભાઈ ચૌહાણ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ અને ભાજપા અગ્રણી ભરતભાઈ બોઘરા સહિતના નેતાઓએ રાજુભાઈને ખેસ પહેરાવી પક્ષમાં હર્ષભેર આવકાર્યા હતા. આ પ્રસંગે ‘શ્રી કમલમ’ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.
**સૌરાષ્ટ્રમાં પક્ષની મજબૂતી વધશે**
રાજુભાઈ કરપડા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં સારી એવી પકડ ધરાવે છે. તેમના જોડાણથી આગામી સમયમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નવું બળ મળશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ભાજપના આગેવાનોએ આ જોડાણને વધાવતા જણાવ્યું હતું કે, ખેડૂત નેતાના આગમનથી પક્ષની લોકપ્રિયતામાં વધારો થશે અને પાયાના સ્તરે ખેડૂતોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉકેલવામાં મદદ મળશે.
પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જારી કરાયેલ વિગતો મુજબ, આ જોડાણ કાર્યક્રમમાં આવેલા તમામ સમર્થકોએ પક્ષની વિકાસલક્ષી નીતિઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાજુભાઈ કરપડાએ પણ પક્ષના નેતૃત્વનો આભાર માન્યો હતો અને પક્ષના કાર્યકર્તા તરીકે નિષ્ઠાપૂર્વક કામ કરવાની ખાતરી આપી હતી.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
