તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
ભાજપની ઉમેદવારોની યાદી પર સસ્પેન્સઃ ૧૧ એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છતાં નામો જાહેર ન થતા ઉત્કંઠા
રાજકોટ, મોરબી સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયોઃ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ : કોંગ્રેસે ૨૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધીઃ રાજકોટમાં રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાને ટિકિટ ફાળવાઇઃ ભાજપમાં ટિકિટ વાંચ્છુકોની ભારે ભીડ, ઉમેદવારોના નામ અંગે ભારે ગોપનીયતા રખાતા દાવેદારોના જીવ તાળવે ચોંટ્યા

રાજકોટ તા.૯: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિગુ ફૂંકાઈ ચૂક્યું છે. રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓ અને મોરબી જેવી મહત્વની નગરપાલિકાઓ માટે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ ૧૧ એપ્રિલ ૨૦૨૬ છે. હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી હજુ સુધી જાહેર કરવામાં ન આવતા રાજકીય ગરમાવો અને દાવેદારોમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે.
ભાજપની યાદી ક્યારે જાહેર થશે? તાજેતરના અહેવાલો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી માટે સેન્સ પ્રક્રિયા અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોનો દોર પૂર્ણ થઈ ગયો છે. ૧૧ એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી, ભાજપની ઉમેદવારોની યાદી આજ મોડી સાંજ સુધીમાં અથવા આવતીકાલ સુધીમાં કોઈપણ સમયે સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે.
યાદીમાં વિલંબ થવા પાછળનું મુખ્ય કારણ દરેક વોર્ડમાં દાવેદારોનો મોટો રાફડો ફાટ્યો છે તે માનવામાં આવે છે.
મોરબી અને રાજકોટમાં એક-એક બેઠક માટે અનેક મજબૂત દાવેદારો મેદાનમાં હોવાથી કોઈનો અસંતોષ બહાર ન આવે તે માટે પાર્ટી છેલ્લી ઘડીએ જ પત્તા ખોલશે તેવી સંભાવના છે.
એવું મનાય છે કે સંપૂર્ણપણે નો રીપીટ થિયરી કદાચ અમલમાં ન મુકાય અને અમુક સારા અને અનુભવી કોર્પોરેટરોને ફરી ટિકિટ અપાય તો નવાઈ નહીં. ભાજપ દ્વારા હજુ સુધી રાજકોટ અને મોરબી માટે સત્તાવાર કે સંભવિત નામો લીક ન થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. અમુક ચોક્કસ નિયમો અને યુવા ચહેરાઓને તક આપવાની નીતિને લીધે જૂના જોગીઓના પત્તા કપાવાની પૂરી સંભાવના છે.
મોરબી ભાજપમાં પણ ભારે આંતરિક હરીફાઈ ચાલી રહી હોવાના અહેવાલો છે. અહીં ભાજપના પ્રદેશ સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયાનો હાથ ઉપર રહેશે તેમ મનાય છે. મોહનભાઈએ અમુક નામો સામે સખત વાંધો લીધો છે.
બીજી તરફ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસે ૮ જેટલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે પોતાના ૨૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.
રાજકોટ કોંગ્રેસના જાહેર થયેલા નામોઃ કોંગ્રેસે રાજકોટના વોર્ડ નંબર ૨ માંથી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને ટિકિટ આપી છે. આ ઉપરાંત ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા દેવુબેન જાદવને વોર્ડ નંબર ૬ માંથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે રાજકોટની ૭૨ બેઠકોમાંથી ૪૦ નામો પ્રથમ યાદીમાં જ ફાઇનલ કરી દીધા છે.
મોરબીઃ કોંગ્રેસે મોરબી નગરપાલિકાની ૫૨ બેઠકોમાંથી ૨૩ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે ભાજપની યાદીની હજુ રાહ જોવાઈ રહી છે.
આ વખતની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (આપ) પણ પૂરી તાકાતથી મેદાનમાં હોવાથી રાજકોટ અને મોરબીમાં બરાબરનો ત્રિપાંખિયો જંગ જામશે. રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ડોર-ટુ-ડોર પ્રચારમાં લાગી ગયા છે.
ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની તારીખ પૂર્ણ થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે કયા વોર્ડમાં કોની સામે કોની સીધી ટક્કર છે. હાલ પૂરતી સૌની નજર ભાજપના પ્રદેશ કાર્યાલય તરફ મંડાયેલી છે કે ક્યારે ઉમેદવારોની સત્તાવાર યાદી બહાર પડે છે
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
