<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

સુરતના ઉધના વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હવે વિવાદના વંટોળે ચડી: લોકોમાં રોષ

કોઈપણ પૂર્વ જાણ કે સમજણ આપ્યા વગર ગરીબ પરિવારોના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ

સુરતના ઉધના વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હવે વિવાદના વંટોળે ચડી છે. દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા કોઈપણ પૂર્વ જાણ કે સમજણ આપ્યા વગર ગરીબ પરિવારોના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

સ્થાનિક રહેવાસીઓએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે કે, જો સ્માર્ટ મીટર લગાવવાથી ખરેખર ગ્રાહકોને ફાયદો થવાનો હોય, તો તંત્ર દ્વારા લોકોને સમજાવ્યા વગર કે વિશ્વાસમાં લીધા વગર ચોરીછૂપીથી મીટર કેમ લગાવવામાં આવી રહ્યા છે? ઉધનામાં જ્યારે DGVCLના કર્મચારીઓ મીટર બદલવા પહોંચ્યા ત્યારે જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકર્તાએ તેમનો ઘેરાવો કર્યો હતો.

 

આ ઘટના દરમિયાન એક સામાજિક કાર્યકર્તાએ DGVCLના કર્મચારીઓનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ટેકનિકલ જાણકારી આપ્યા વગર જ જૂના મીટર હટાવી નવા સ્માર્ટ મીટર થોપવામાં આવી રહ્યા છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી DGVCL દ્વારા આ મીટરના ફાયદા અને તેનાથી આવતા બિલિંગ વિશે વિગતવાર માહિતી ન આપવામાં આવે, ત્યાં સુધી આ કાર્યવાહી સ્થગિત રાખવી જોઈએ. 

(9:12 PM IST)