<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

પાટણ કોંગ્રેસમાં ભડકો: દિગ્ગજ નેતા ભરત ભાટિયાએ પક્ષ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી, ચૂંટણી ટાણે જ પક્ષમાં ગાબડું પડતા નેતાઓ દોડતા થયા

ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓના મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ: વોર્ડ નંબર 8 માં ખેલાશે ત્રિપાંખિયો જંગ, નવા સમીકરણોથી હાર-જીતનું ગણિત બગડવાની શક્યતા

પાટણ, તા. 8: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાટણના રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. પાટણ નગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા ભરત ભાટિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને અપક્ષ તરીકે ફોર્મ ભરતા રાજકીય ગલીઓમાં ખળભળાટ મચી ગયો છે. પક્ષના જ મજબૂત અને અનુભવી નેતાએ બળવો કરતા આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી શકે તેવા સંકેતો મળી રહ્યા છે.
સમજાવવાના તમામ દાવ ખાલી ગયા
ભરત ભાટિયાના આ આક્રમક વલણથી સ્થાનિક નેતાગીરી હરકતમાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિલ્લા કોંગ્રેસના અન્ય મોટા ગજાના નેતાઓએ ભાટિયાને મનાવવા માટે રાત-દિવસ એક કર્યા હતા. તેમને સમજાવવા માટે અનેક ગુપ્ત બેઠકોનો દોર પણ ચાલ્યો હતો, પરંતુ ભરત ભાટિયા પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. આખરે તેમણે અપક્ષ ઉમેદવારી કરીને કોંગ્રેસ સામે સીધો પડકાર ફેંક્યો છે.
વોર્ડ નંબર 8 માં નવા સમીકરણો
ભરત ભાટિયા અગાઉ વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના મેન્ડેટ પર વિજેતા બન્યા હતા અને પક્ષમાં પણ તેમનું નોંધપાત્ર વર્ચસ્વ હતું. હવે તેમના અપક્ષ ચૂંટણી લડવાના નિર્ણયથી આ વોર્ડમાં ત્રિપાંખિયો જંગ જામશે. રાજકીય વિશ્લેષકોના મતે, આ બળવાને કારણે કોંગ્રેસની મજબૂત મતબેંકમાં મોટું ગાબડું પડી શકે છે અને મતોનું વિભાજન થતા તેનો સીધો ફાયદો પ્રતિસ્પર્ધી પક્ષને મળી શકે છે.
બ્રેકિંગ ન્યૂઝ પર એક નજર:
•    સલામતી એલર્ટ: ઈરાનમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં આગામી 48 કલાક સુરક્ષિત સ્થળે રહેવા સૂચના અપાઈ છે.
•    શેરબજારમાં ઉછાળો: અમેરિકા-ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત થતા જ ગલ્ફમાં શાંતિની આશા સાથે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 2,600 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
•    તેલના ભાવમાં ઘટાડો: સિઝફાયરની અસર ગ્લોબલ માર્કેટ પર પણ થઈ છે, કાચા તેલના ભાવ ઘટીને પ્રતિ બેરલ 95 ડોલર સુધી પહોંચ્યા છે.
•    માવઠું: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ છેલ્લા 24 કલાકમાં 49 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેમાં સાઠંબા અને માણસામાં ભારે વરસાદ થયો છે.
ચૂંટણીના માહોલ વચ્ચે પાટણનો આ રાજકીય વળાંક આગામી દિવસોમાં અન્ય વોર્ડમાં પણ બળવાના મંડાણ કરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. હાલ તો ભરત ભાટિયાની અપક્ષ ઉમેદવારીએ પાટણના રાજકારણમાં ભારે ઉત્તેજના જગાવી છે.

(4:52 PM IST)