તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
ગોધરાના ચર્ચાસ્પદ પોલીસ મથક પથ્થરમારના કેસમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ઝાકીર અહેમદ ઝભાને ભીવંડીથી ઝડપી લેવાયો
ગોધરા એસ.ઓ.જી અને એલ.સી.બીની સંયુક્ત ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના ભિવંડી ખાતે દરોડો પાડી છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ઝડપી પાડવામાં સફળતા મેળવી

ગોધરાના ચર્ચાસ્પદ પોલીસ મથક પથ્થરમારના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકીર અહેમદ ઝભા આખરે પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે. ગોધરા એસ.ઓ.જી અને એલ.સી.બીની સંયુક્ત ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના ભિવંડી ખાતે દરોડો પાડી છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ગત સપ્ટેમ્બર 2025માં ઝાકીર ઝભાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ખોટો આક્ષેપ કર્યો હતો. આ વીડિયોના માધ્યમથી તેણે લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે ટોળું એકત્ર થયું હતું અને ગોધરા શહેર ટાઉન બી ડિવિઝન પોલીસ મથક પર પથ્થરમારો કરવાની ગંભીર ઘટના બની હતી.
જોકે, તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જ્યારે ઝાકીર પોલીસ મારનો ખોટો વીડિયો વાયરલ કરી રહ્યો હતો, તે જ સમયે તે ગોધરાના વડોદરા બાયપાસ પાસે આવેલી એક હોટલમાં સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં પહોંચ્યો હોવાના સીસીટીવી ફૂટેજ પોલીસના હાથ લાગ્યા હતા. આ ઘટના બાદ પોલીસે 400થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ, પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને ગોધરા લાવવાની કાર્યવાહી પૂર્ણ કરી છે અને તેના રિમાન્ડ મેળવવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
