તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
અમૂક બિનઅનામત બેઠકોમાં અનામત વર્ગને ટીકીટઃ માપદંડમાં બાંધછોડ
જો હાર સે ના કભી ડરતા હૈ ઔર ખુદ કો સમર્પિત કરતા હૈ, સંગ ઉસકે સફલતા રહતી હૈ, જીત ઉસકી હોતી હૈ... : રાજકીય પક્ષોએ જ્ઞાતિના સમીકરણો ગોઠવવા અસાધારણ નિર્ણયો કરવા પડશેઃ શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ અસરઃ સૌથી વધુ કસોટી ભાજપની : રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો પૈકી ર૧ બેઠકો બિનઅનામતઃ ૧૦ બેઠકો બક્ષીપંચ માટેઃ અનૂસૂચિત જાતિ માટે ૪ અને અનૂસૂચિત જનજાતિ માટે ૧ બેઠકઃ આણંદપર, બેડલા, ભડલી, પીપરડી, વીંછીયા, વગેરે બેઠક સામાન્ય વર્ગ માટે છતાં રાજકીય પક્ષો બક્ષીપંચ વર્ગને ટીકીટ આપે તેવા એંધાણઃ રાજયમાં કેટલીયે બેઠકો પર જ્ઞાતિ આધારિત સમીકરણોના કારણે માપદંડમાં છૂટછાટ આપવી પડે તેવા રાજકીય સંજોગો

રાજકોટ તા. ૮ :.. ગુજરાતમાં તારીખ ૨૬ એપ્રિલે યોજાનાર પાલિકા પંચાયતોની ચૂંટણી માટે તારીખ ૧૧ શનિવાર ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ છે .ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વગેરેએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાને તે જ બનાવી દીધી છે. રાજકીય પક્ષોના ઉમેદવારો જાહેર થવા માંડ્યા છે. ગુજરાતમાં ઓબીસી ને ૨૭ ટકા અનામત બેઠકોનો લાભ મળ્યા પછી પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે .સામાન્ય રીતે જે વર્ગની બેઠકો હોય તે વર્ગના ઉમેદવારો પસંદ થતા હોય છે .આ વખતે સંજોગો બદલાતા સમીકરણો પણ બદલાયા છે.
રાજકીય પક્ષોએ અમુક બિનઅનામત બેઠકો પર અનામત જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી પડે તેવી સ્થિતિ છે. રાજકોટ જિલ્લા પંચાયતની ત્રણ ચાર બેઠકોમાં આવા સંજોગો છે. ઉપરાંત ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રાજકીય પક્ષોએ પસંદગીના માપદંડમાં છૂટછાટ મૂકવી પડે તેવું અત્યારે દેખાય છે .
ભૂતકાળમાં શહેરો અને ગામડાઓમાં બીનઅનામત વર્ગની એટલે કે સામાન્ય બેઠકમાં પણ અનામત વર્ગની જ્ઞાતિના ઉમેદવારોને વ્યક્તિગત ક્ષમતાના આધારે ટિકિટ અપાયાના દાખલા છે. આ વખતે અનામત બેઠકોનું પ્રમાણ વધ્યું છે. બક્ષીપંચ વર્ગના ઉમેદવારો અભૂતપૂર્વ પ્રમાણમાં ચૂંટાવાના છે.
શહેરોમાં વોર્ડમાં જુદી જુદી જ્ઞાતિની વસ્તી હોય છે. કેટલાય ગામડાઓમાં તેનાથી ઉલટી સ્થિતિ હોય છે .ત્યાં મોટાભાગે એક બે જ્ઞાતિઓ નિર્ણાયક હોય છે .જ્યાં આવા સમીકરણ હોય ત્યાં બેઠક સામાન્ય વર્ગની હોવા છતાં પછાત વર્ગના ઉમેદવાર પસંદ કરવા પડશે.રાજકીય પક્ષો માટે આખરે જીતવાનું લક્ષ્ય હોય છે.
સામાન્ય વર્ગની બેઠકમાં એક પક્ષ સામાન્ય વર્ગને ટિકિટ આપે અને બીજો પક્ષ અનામત વર્ગના મતદારોની સંખ્યાના આધારે તે પ્રકારે ટિકિટ આપે તો બેઠક સામાન્ય હોવા છતાં અનામત વર્ગને જીતવાની શકયતા એકદમ પ્રબળ થઈ જાય છે. અમુક જગ્યાએ ઉમેદવારની વ્યક્તિગત પ્રતિભાના કારણે સ્થિતિ જુદી જુદી હોઈ શકે.
કોંગ્રેસ પાસે અને આમ આદમી પાર્ટી પાસે ઉમેદવારોની સંખ્યા મર્યાદિત છે. ભાજપની ટિકિટ મેળવવા લાંબી લાઈનો છે. જ્યાં બેઠકો સામાન્ય વર્ગની હોય અને મતદારો વધારે અનામત વર્ગના હોય ત્યાં અનામત વર્ગના ઉમેદવારને ટિકિટ આપવાનું રાજકીય પક્ષોએ વિચારવું પડશે .હાલ પેનલો પણ સ્થાનિક સમીકરણને ધ્યાને રાખીને જ બની રહી છે. આગામી ત્રણ દિવસમાં સત્તાવાર રીતે જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ઉમેદવાર પસંદગીમાં શહેરોમાં અનામત અને બિન અનામતની દ્રષ્ટિએ જૂજ કિસ્સામાં બાંધછોડ કરવી પડશે પણ ગ્રામીણ વિસ્તારમાં એટલે કે તાલુકા જિલ્લા પંચાયતોમાં આ પ્રમાણ મોટું રહે તેવા એંધાણ છે.
રાજકોટ જિલ્લા પંચાયતની નવાગામ, આણંદપર બેઠક બિનઅનામત છે. ત્યાં કોળી અને પાટીદારોના મતદારો વધુ છે. અહીં કોઇ પક્ષ કોળી સમાજને ટીકીટ આપી શકે તેવું બનવા જોગ છે. બેડલા અને પીપરડી બેઠક સામાન્ય વર્ગની મહિલા માટે છે. ભડલી બેઠક સામાન્ય વર્ગ માટે છે. આ ત્રણેય બેઠકો પર કોળી સમાજના મતદારો મહત્તમ પ્રમાણમાં છે. વીંછીયા બેઠક સામાન્ય વર્ગની મહિલા માટે છે ત્યાં પણ કોળી સમાજને જ ટીકીટ આપવાનો વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે. કયો પક્ષ શું ગણિત માંડે છે ? તે શુક્રવાર સાંજ સુધીમાં ખબર પડી જશે.
ચૂંટણી કઇ કઇ રીતે પહેલી ?
* શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા (૧ર સપ્ટેમ્બર ર૦ર૧) પછી પહેલી ચૂંટણી
* ‘સર' ખાસ મતદાર યાદી સુધારણા પછી પહેલી ચૂંટણી
* નવા ૯ મહાનગરો ૧ જિલ્લા પંચાયત (વાવ થરાદ) અને કેટલીક તાલુકા પંચાયતો અસ્તિત્વમાં આવ્યા પછી પહેલી ચૂંટણી
* બક્ષીપંચ અનામત બેઠકો વધીને ર૭ ટકા, થયા પછી પહેલી ચૂંટણી
* યુ.સી.સી. (સમાન નાગરિક સંહિતા), વિધેયક વિધાનસભામાં પસાર થયા પછી પહેલી ચૂંટણી
* વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનીજીતથી આમ આદમી પાર્ટી ‘નોંધપાત્ર' થયા પછીની પ્રથમ ચૂંટણી
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
