તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
ભાજપ સ્થાનિક હોદ્દેદારને ટિકિટ આપી શકેઃ ૬૦થી વધુ વય, ત્રણ ટર્મ અને પરિવારમાંથી કોઇને નહીં
બેઠકમાં અમદાવાદ મહાનગરને બાદ કરતાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના નિરીક્ષકોએ રજૂ કરેલા બાયોડેટા પર ચર્ચા-મંથન : CM ભૂપેન્દ્ર પટેલ, પ્રમુખ વિશ્વકર્મા, સી.આર. પાટીલ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડમાં મંથન શરૂ

અમદાવાદ,તા.૮: ભારતીય જનતા પાર્ટી આગામી ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં કેટલાક પ્રયોગો કરવાની દિશામાં વિચારી રહી છે. વિતેલા સપ્તાહમાં નિરીક્ષકોએ કરેલી સેન્સ પ્રક્રિયા અને સંકલન બેઠકો પૂરી થતાં મંગળવાર સવારથી મંત્રીનિવાસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આરંભ થયો છે. કેન્દ્રીય જળશક્તિમંત્રી અને પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલ બોર્ડના વિશેષ આમંત્રિત સભ્યના નાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અમદાવાદ મહાનગરને બાદ કરતાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના નિરીક્ષકોએ રજૂ કરેલા બાયોડેટા પર ચર્ચા-મંથન થયું હતું. જોકે, અમદાવાદ સહિતન મહાનગરો માટે ૯ એપ્રિલે ચર્ચા થશે. બુધવારે કચ્છ-સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની સુનાવણી હાથ ધરાશે. ભાજપ તેની પહેલી યાદી સંભવત ૮ એપ્રિલ અને કેટલાક નામો ગુરુવારે જાહેર કરે તેવી શક્યતા છે.
મીની વિધાનસભા સમાન ગણાતી ચૂંટણીમાં ભાજપ ૨૦૨૧ની ચૂંટણીના પર્ફોમન્સને જાળવી રાખવા સાથે કોંગ્રેસ સહિતના વિરોધપક્ષના હાથમાં સત્તા ન આવે તે માટે વ્યૂહાત્મક બેઠકો પર યુવા, શિક્ષિત મહિલાઓને મેદાનમાં ઉતારવા માટે વિચારી રહી છે. આ જ રીતે સરેરાશ પચાસ ટકાથી વધારે યુવા, શિક્ષિત ઉમેદવારોને જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાનગરોની બાગડૌર સોંપી શકાય તેને ધ્યાનમાં રાખી પસંદગી કરવા જઇ રહી છે. જોકે, અગાઉની જેમ આ વખતે પક્ષે ૬૦ વર્ષથી મોટી ઉંમરના, ત્રણ ટર્મ થઇ ગઇ હોય, જનપ્રતિનિધિના પરિવારમાંથી કોઇને ટિકિટ નહીં આપવાના ધારાધોરણને આગળ વધારવાનું નક્કી કર્યું છે. જોકે, આ ધારાધોરણોમાંથી સંગઠનના હોદ્દેદારો કે જેમણે અગાઉ ચૂંટણી નથી લડી તેમને મેદાનમાં ઉતારવા માટે બારી ખુલ્લી રાખી છે. અલબત્ત, આ સિવાય મહાનગરોમાં કેટલાક વર્તમાન કોર્પોરેટરો કે જેમના પર્ફોમન્સ સારા છે એમને ડિસ્ટર્બ ન કરાય એવું બની શકે છે. જોકે, કોંગ્રેસ અને અન્ય પક્ષમાંથી આવેલા આગેવાનો, કાર્યકરોને ટિકિટ આપવા અંગેનો મામલો સ્થાનિક સંસ્થાની બેઠકની રાજકીય, સામાજિક અને સ્થાનિક સ્થિતિના આધારે લેવાઇ શકે છે.
રાજ્યની ૧૫ મહાનગરો, ૮૪ પાલિકા, ૨૬૦ તાલુકા અને ૩૪ જિલ્લા પંચાયતો માટે ૨૬ એપ્રિલના રોજ એક સાથે મતદાન યોજાનાર છે. આ તમામ સંસ્થાઓની દસ હજાર બેઠકો માટે વિતેલા સપ્તાહમાં ભાજપે નિરીક્ષકો મોકલીને સેન્સ પ્રક્રિયા પૂરી કરી હતી. આ સેન્સ પ્રક્રિયા બાદ સ્થાનિક સંગઠન, જનપ્રતિનિધિઓ સાથે સંકલન બેઠક યોજીને આવેલા અડધા લાખથી વધારે બાયોડેટાને શોર્ટલિસ્ટ કરી પેનલોના રૂપમાં મંગળવારથી શરૂ થયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કર્યા હતા. મંગળવારે સવારથી શરૂ થયેલી બેઠકમાં સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સુનાવણી હાથ ધરાઇ હતી. બપોર બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની પ્રક્રિયા શરૂ થઇ હતી. ભાજપે તેના સૌથી મહત્ત્વના અમદાવાદ મહાનગરની ૧૯૨ બેઠકો માટેના ઉમેદવારો અંગે કોઇ ચર્ચા કરી નથી. અમદાવાદ મહાનગરનો મામલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના પરામર્શ બાદ આખરી કરવામાં આવશે એમ સમજાય છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
