તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
AAP નેતા -ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ધરપકડ વોરંટ: મહેસાણા સિવિલ કોર્ટ દ્વારા 2020 ના કેસમાં ધરપકડનો આદેશ
વોરંટની બજવણી કરવા પહોંચેલી પોલીસ સામે ઈટાલિયાનો વિરોધ: માતાને હેરાન કર્યાના આક્ષેપ સાથે ઈટાલિયાએ વીડિયો કર્યો વાયરલ

આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા ફરી એકવાર કાયદાકીય કુંડાળામાં ફસાયા છે. મહેસાણા સિવિલ કોર્ટ દ્વારા તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. વર્ષ 2020 માં મહેસાણા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક FIR ના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
મહેસાણાના થર્ડ એડિશનલ સિવિલ જજ અને JMFC બી.આર. કારિયાની કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે મહેસાણા સિટી પોલીસને સૂચના આપી છે કે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી તેમને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે. આ મામલો જૂના કેસ સાથે જોડાયેલો છે જેમાં ઈટાલિયા વારંવાર ગેરહાજર રહેતા હોવાનું જણાય છે
કોર્ટના આદેશ મુજબ જ્યારે પોલીસ વોરંટની બજવણી કરવા ગોપાલ ઈટાલિયાના ઘરે પહોંચી, ત્યારે તેઓ હાજર નહોતા. નિયમ મુજબ પોલીસે ઘરના ફોટા પાડ્યા અને ત્યાં હાજર તેમની માતાને MLA ગોપાલભાઈ ઈટાલિયા વિશે પૂછપરછ કરી હતી. જોકે, આ ઘટના બાદ MLA ગોપાલભાઈ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોલીસ પર તેમની વૃદ્ધ માતાને હેરાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ, એવા સવાલો ઉઠી રહ્યા છે કે પોતે વકીલ હોવા છતાં ગોપાલભાઈ ઈટાલિયા કોર્ટના સામાન્ય નિયમોથી કેમ અજાણ છે? ઘરનો ફોટો પાડવો એ કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ ઈટાલિયાએ આ બાબતને 'મુદ્દો' બનાવીને અને માતાના નામનો ઉપયોગ કરીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક ચૂંટણીઓ પહેલા આ પ્રકારના વીડિયો દ્વારા ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનો ખેલ ખેલાઈ રહ્યો હોય તેમ જણાય છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તેમણે માત્ર કાયદાનું પાલન કર્યું છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરી નથી.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
