તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક
એટીએસ એડીજીપી અમિત વિશ્વકર્માની નોડલ અધિકારી તરીકે નિમણૂક : હિસ્ટ્રીશીટરો અને ફરાર આરોપીઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવા આદેશ

ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્યનું પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવ દ્વારા આજે પોલીસ ભવન ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં ૧ એપ્રિલથી અમલી બનેલી આચારસંહિતા અને ચૂંટણીલક્ષી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે એટીએસ એડીજીપી અમિત વિશ્વકર્માની નોડલ અધિકારી તરીકે વરણી કરવામાં આવી છે.
ગુનેગારો સામે કડક કાર્યવાહીની સૂચના:
રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવે તમામ યુનિટોને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે રાજ્યમાં પ્રતિબંધાત્મક કાર્યવાહી તેજ કરવામાં આવે અને રીઢા ગુનેગારો સામે મહત્તમ પાસા (PASA) હેઠળ કેસો કરવામાં આવે. ખાસ કરીને લાંબા સમયથી ફરાર હોય તેવા આરોપીઓ અને હિસ્ટ્રીશીટરો સામે કડક પગલાં લેવા તેમજ નોન-બેલેબલ વોરંટની તાત્કાલિક બજવણી કરવા સૂચના અપાઈ છે. સંવેદનશીલ જિલ્લાઓમાં કોમ્બિંગ કામગીરી સઘન કરી ગેરકાયદેસર હથિયારો અને દારૂની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા જણાવાયું છે.
વધારાનું પોલીસબળ અને સરહદી ચેકિંગ:
સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના ૯૦૦૦ જેટલા તાલીમબદ્ધ એલઆરડી રિક્રુટ્સ અને વન વિભાગના અધિકારીઓને પણ ચૂંટણી ફરજમાં જોડવાનો નિર્ણય લેવાયો છે. ૨૦૨૧ની ચૂંટણીના ગુનાખોરીના ઇતિહાસને ધ્યાનમાં રાખી દાહોદ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવશે. આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ હાથ ધરવા અને જે પોલીસ અધિકારીઓની બદલી થઈ છે તેઓને ૨૪ કલાકમાં રિલીવ કરી નવી જગ્યાએ મતદાન કેન્દ્રોનું નિરીક્ષણ કરવા આદેશ અપાયા છે.
મોનિટરિંગ અને પેટ્રોલિંગ:
૧૧ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની અને ૧૫ એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા જ ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. ત્યારબાદ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને મોબાઇલ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત આઈબી (IB)ની ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. કે.એલ.એન. રાવે તમામ અધિકારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાથે સતત સંકલન જાળવી વીઆઈપી સુરક્ષા અને કોમ્યુનિકેશન સિસ્ટમ સુદ્રઢ કરવા સૂચના આપી છે, જેથી મતદારો કોઈપણ ભય વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે. ૩૦ એપ્રિલ સુધી આ સમગ્ર પ્રક્રિયા પર ચુસ્ત પોલીસ પહેરો રહેશે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
