News of Monday, 6th April 2026
અમદાવાદ-સુરત -રાજકોટ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી
ધમકી મળતા જ RTO અધિકારીઓએ પોલીસને જાણ કરીઃ ઓફિસો ખાલી કરાવાઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી

અમદાવાદ,તા.૦૬: તાજેતરમાં અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરોમાં આવેલી RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળતા સુરક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક કડકાઈ લાવવામાં આવી છે. આ ધમકી મળતા જ RTO અધિકારીઓએ પોલીસને જાણ કરી, જેના પગલે બંને શહેરોમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી.
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી RTO કચેરીને ખાલી કરાવવામાં આવી હતી. ટ્રેક ટેસ્ટ આપવા આવેલા લોકોને પણ સુરક્ષાના હેતુસર પરત મોકલવામાં આવ્યા. પોલીસ સાથે બોમ્બ-ડોગ સ્કવોડ દ્વારા સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તરત જ કાર્યવાહી કરી શકાય.
સુરત-રાજકોટ RTOને પણ મળી ધમકી
સુરત RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા RTOને ખાલી કરાવાયું છે.વિગતો મુજબ મેઈલ મારફતે ધમકી મળતા RTO ના ટ્રેક ટેસ્ટ બંધ કરાયા છે. આ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.રાજકોટમાં પણ આવો જ બનાવ સામે આવ્યો,જ્યાં RTO કચેરીને ધમકી મળતા તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી અને બોમ્બ સ્કવોડને તપાસ માટે બોલાવવામાં આવી છે.
આ ઘટના પહેલા પણ ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને ધમકી મળી હતી.ત્યારે પણ સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરાવી સર્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ખતરનાક વસ્તુ મળી નહોતી. આવી સતત મળતી ધમકીઓના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને જાહેર સ્થળોએ સાવચેતી વધારી છે. નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક જાણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
