<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ભિલોડા ખાતે સરપંચો, સહકારી આગેવાનો સહિત 500થી વધુ કોંગ્રેસના પીઢ કાર્યકરો ભાજપમાં જોડાયા

શુભેન્દ્રસિંહ સિસોદિયા જેવા પીઢ નેતાના રાજીનામાથી કોંગ્રેસ પક્ષને વધુ એક ફટકો પડ્યો

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં કાર્યકરો અને ઉચ્ચ હોદ્દા ધરાવતા કાર્યકરો રાજીનામાં આપી રહ્યા છે અને તાજેતરમાં ભિલોડા ખાતે કોંગ્રેસના 50 થી વધુ પીઢ કાર્યકરો કોંગ્રેસમાંથી બાય બાય કરી ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કર્યો હતો ત્યારે આવા સમયે શુભેન્દ્રસિંહ સિસોદિયા જેવા પીઢ નેતાના રાજીનામાથી કોંગ્રેસ પક્ષને વધુ એક ફટકો પડ્યો છે.

ભિલોડાના તાલુકાના ભુતાવડના અને અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને કોંગ્રેસના પીઢ હોદ્દેદાર શુભેન્દ્રસિંહ સજ્જનસિંહ સીસોદીયા, બાબુલાલ પરમાર, સરપંચો, સહકારી આગેવાનો સહિત 500થી વધુ કાર્યકરોએ ભિલોડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રી પી.સી. બરંડા સહિતની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કરતાં કોંગ્રેસમા ખળભળાટ મચી જવા પામ્યો છે.

શુભેન્દ્રસિંહ સિસોદિયા ભુતાવડ દૂધ ઉત્પાદક મંડળી અને રીટોડા ગ્રૂપ સેવા સહકારી મંડળીમાં ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. શુભેન્દ્રસિંહ સિસોદિયા ભાજપમાં જોડાતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

મોડાસા : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિઓ અને વિકાસની માત્ર પોકળ વાતોથી કંટાળીને આજે ગણેશપુરકંપા સહિત આસપાસના સાત કંપાઓના કચ્છી પાટીદાર સમાજના ૨૦૦થી વધુ સક્રિય યુવાનો અને મહિલાઓએ ભાજપને તિલાંજલિ આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં તમામ નવયુવાનો અને મહિલાઓ ને કોંગ્રેસનો ખેસ પહેરાવીને વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસમાં જોડાયેલા યુવાનોએ પોતાનો આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં ખેડૂતોની હાલત દયનીય બની છે. મોંઘાદાટ બિયારણો અને ખાતરના ભાવમાં બેફામ વધારો થયો છે, પરંતુ ખેતી પાકોના પોષણક્ષમ ભાવ આપવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે. વધુમાં, જમીન રી-સર્વેની કામગીરીમાં થયેલી અસંખ્ય ભૂલોને કારણે ખેડૂતો કચેરીઓના ધક્કા ખાઈને પાયમાલ થઈ રહ્યા છે. માત્ર જાહેરાતોમાં થતો વિકાસ જમીની હકીકત પર ક્યાંય દેખાતો નથી, જેના કારણે કચ્છી પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપે અમારા સમાજ સહિત બધાનો માત્ર મતો માટે જ ઉપયોગ કર્યો છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ મંત્રી અંબાલાલ પટેલ અને મોડાસા શહેર કોંગ્રેસ પ્રમુખ રાહુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે નવયુવાનો અને મહિલાઓને પક્ષમાં આવકારતા જણાવ્યું હતું કે, ગણેશપુરકંપા અને આસપાસના કંપાઓના યુવાનોએ આજે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. કચ્છી પાટીદાર સમાજ હંમેશા મહેનતકશ અને પ્રામાણિક રહ્યો છે, પરંતુ ભાજપે તેમની લાગણીઓ સાથે રમત કરી છે. ૨૦૦થી વધુ યુવાનો અને મહિલાઓનો આ આક્રોશ એ સાબિતી છે કે હવે જનતા પરિવર્તન ઝંખી રહી છે. કોંગ્રેસ પક્ષ આ તમામ યુવાનો અને ખેડૂતોના પડખે અડીખમ ઉભો રહેશે અને તેમના હક માટે આક્રમક લડત લડશે.

(12:10 AM IST)