<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

અમદાવાદના ઘી કાંટા મેટ્રો સ્ટેશન બહાર અસામાજિક તત્વો બેફામ:15 થી 20 શખ્સોના ટોળાએ રોડ વચ્ચે મચાવી ધમાલ

સમાધાનના બહાને બોલાવી 3 લોકો પર ઘાતકી હુમલો: ભીડભાડ વાળા વિસ્તારમાં જાહેરમાં આતંક ફેલાવ્યો

અમદાવાદના હાર્દ સમાન ઘીકાંટા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઘીકાંટા મેટ્રો સ્ટેશનની બિલકુલ બહાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શુક્રવારની મોડી સાંજે 15 થી 20 શખ્સોના ટોળાએ જાહેરમાં ધમાલ મચાવી આતંકનો માહોલ ઉભો કર્યો હતો.

 

મળતી માહિતી અનુસાર, જૂની અદાવત અથવા કોઈ તકરારના સમાધાન માટે બે જૂથો ભેગા થયા હતા. જોકે, વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને અગાઉથી જ આયોજનબદ્ધ રીતે આવેલા 20 જેટલા શખ્સોના ટોળાએ હુમલો કરી દીધો હતો. આ ટોળાએ ત્યાં હાજર ત્રણ વ્યક્તિઓ પર ઘાતકી હથિયારો અને પાઈપ વડે હુમલો કર્યો હતો, જેમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

   ભીડભાડવાળા મેટ્રો સ્ટેશનની બહાર જે રીતે આ હિંસક બબાલ થઈ તેનાથી મુસાફરો અને સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રોડની વચ્ચે જ ખુલ્લેઆમ છુટ્ટા હાથની મારામારી જોઈ લોકો જીવ બચાવવા આમતેમ દોડવા લાગ્યા હતા. હુમલાખોરોએ રસ્તા પર આતંક ફેલાવી દીધો હતો અને પોલીસ પહોંચે તે પહેલા જ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે મેટ્રો સ્ટેશન અને આસપાસના સીસીટીવી તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે. ભરેલા બજારે થયેલા આ હુમલાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

(11:41 PM IST)