<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ખેડા ભાજપના પીઢ નેતા અને અમૂલના ડિરેક્ટર વિપુલ પટેલની સ્ફોટક કબૂલાત - “મેં રાજકારણમાં જ રૂપિયા બનાવ્યા છે, હું છાતી ઠોકીને કહું છું”

ચૂંટણી ટાણે જ નડિયાદના જાહેર મંચ પરથી નેતાની ‘નિખાલસતા’ એ રાજકીય ગરમાવો વધાર્યો : અન્ય નેતાઓને આડેહાથ લેતા કહ્યું- “મોટાભાગના લોકો માત્ર ઘર જ ભરે છે, મારા જેવો નેતા ખેડા જિલ્લામાં નહીં મળે”

નડિયાદ: સામાન્ય રીતે ચૂંટણીના માહોલમાં રાજકીય નેતાઓ પોતાની છબી ચોખ્ખી રાખવા અને જનસેવાના દાવા કરવા મથતા હોય છે, પરંતુ ખેડા જિલ્લામાં તેનાથી સાવ વિપરીત ચિત્ર જોવા મળ્યું છે. જિલ્લા ભાજપના શક્તિશાળી નેતા અને અમૂલ ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલે એક જાહેર કાર્યક્રમમાં ‘હું છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં જ રૂપિયા બનાવ્યા છે’ તેમ કહીને સૌને સ્તબ્ધ કરી દીધા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ વાગ્યા છે ત્યારે જ પક્ષના એક જવાબદાર હોદ્દેદાર દ્વારા કરવામાં આવેલી આ નગ્ન સત્યની કબૂલાતે રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા છેડી દીધી છે.
જાહેર મંચ પરથી નિર્ભય કબૂલાત
નડિયાદમાં આયોજિત એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતિ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત વિપુલ પટેલે માઈક પરથી સંબોધન કરતા કોઈ પણ પ્રકારના સંકોચ વગર આર્થિક કમાણીનો સ્વીકાર કર્યો હતો. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા વિપુલ પટેલે નિવૃત્ત કર્મચારીઓની હાજરીમાં જણાવ્યું કે, “મેં સારામાં સારો ધંધો કર્યો, સારો મોભો અને હોદ્દો મળ્યો. મેં ઘણા રૂપિયા બનાવ્યા છે. કોઈ નેતા આવું જાહેરમાં સ્વીકારવાની હિંમત નહીં કરે, પણ હું ગર્વ સાથે કહું છું કે મને આ બધું રાજકારણમાંથી જ મળ્યું છે.”
અન્ય નેતાઓ પર આડકતરો પ્રહાર
પોતાના સંબોધન દરમિયાન વિપુલ પટેલે માત્ર પોતાની કમાણીનો સ્વીકાર જ નહોતો કર્યો, પરંતુ અન્ય સ્થાનિક નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ગૌરવ સાથે દાવો કર્યો કે તેમના જેવા નેતા નડિયાદ કે ખેડા જિલ્લામાં બીજા જોવા નહીં મળે. તેમણે આક્ષેપ કર્યો હતો કે મોટાભાગના નેતાઓ પદ મળ્યા પછી માત્ર પોતાનું ઘર ભરવામાં જ વ્યસ્ત હોય છે અને પ્રજા કે સમાજને કશું આપતા નથી. વિપુલ પટેલનું ખેડાના રાજકારણમાં મોટું કદ હોવાથી અને તેઓ અમૂલ જેવી મોટી સંસ્થામાં ડિરેક્ટર પદે હોવાથી આ નિવેદન અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ અને મિશ્ર પ્રતિસાદ
આ સ્ફોટક વિગતો ધરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિપક્ષી છાવણીમાં ઉત્સાહ અને શાસક પક્ષમાં ગભરાટ જોવા મળ્યો છે. સ્થાનિક સ્તરે કેટલાક લોકો આને તેમની ‘નિખાલસતા’ તરીકે જોઈ રહ્યા છે, જ્યારે બૌદ્ધિક વર્ગમાં રાજકારણની નૈતિકતા અને પારદર્શકતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જવાબદાર હોદ્દા પર રહીને કરવામાં આવેલી આવી કબૂલાત આગામી ચૂંટણીઓમાં પક્ષની છબીને કેટલી અસર પહોંચાડે છે તે હવે જોવાનું રહેશે. હાલમાં તો ખેડા જિલ્લાના રાજકીય ચોરા પર માત્ર આ ‘નિર્ભય સ્વીકાર’ની જ વાતો થઈ રહી છે.

(11:03 PM IST)