<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

સુરત પોલીસનું ભેળસેળ ડામવા માટે 'ઓપરેશન શુદ્ધિ': 3,800 કિલો શંકાસ્પદ પનીર અને 9,000 કિલો ઘી જપ્ત

કાર્યવાહીમાં આશરે 9 લાખ રૂપિયાનું પનીર અને 67 લાખ રૂપિયાનું ઘી મળી કુલ 76 લાખ રૂપિયાનો શંકાસ્પદ જથ્થો કબજે કરી સીલ કરી દેવાયો

સુરત પોલીસ દ્વારા રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ ડામવા માટે શરૂ કરવામાં આવેલું 'ઓપરેશન શુદ્ધિ' અત્યંત સફળ રહ્યું છે. સુરત પોલીસ કમિશનરે આ મહત્વની જવાબદારી ખાસ કરીને SOGને સોંપી હતી, જેનું પરિણામ હવે લોકોના સ્વાસ્થ્ય માટે રક્ષણાત્મક સાબિત થઈ રહ્યું છે. આ અભિયાન હેઠળ ભેળસેળિયાઓ અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વો વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવ્યા છે.

સુરત પોલીસની SOG ટીમે બાતમીના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને મોટા પાયે ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 3,800 કિલો શંકાસ્પદ પનીર અને 9,000 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આશરે 9 લાખ રૂપિયાનું પનીર અને 67 લાખ રૂપિયાનું ઘી મળી કુલ 76 લાખ રૂપિયાનો શંકાસ્પદ જથ્થો કબજે કરી સીલ કરી દેવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થો પકડાતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

 

પોલીસની સઘન કાર્યવાહી બાદ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જનહિતમાં મહત્વનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા નિયમ મુજબ, હવેથી તમામ પનીર વિક્રેતાઓ, રેસ્ટોરન્ટ સંચાલકો અને દુકાનદારોએ તેમની દુકાન કે હોટલમાં સ્પષ્ટ બોર્ડ મારવું ફરજિયાત રહેશે. જેમાં ઉલ્લેખ કરવો પડશે કે તેઓ જે વાનગી બનાવી રહ્યા છે, તેમાં કયા પ્રકારના પનીરનો ઉપયોગ થયો છે. ગ્રાહકોને હવે જાણવાનો સંપૂર્ણ અધિકાર રહેશે કે તેઓ જે પનીર ખાઈ રહ્યા છે તે અસલી દૂધમાંથી બનાવેલું છે કે પછી વનસ્પતિ તેલ કે અન્ય પાવડરમાંથી બનાવેલું 'એનાલોગ પનીર' છે.

 

તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ દુકાનદાર કે રેસ્ટોરન્ટ માલિક ગ્રાહકોને દૂધનું પનીર હોવાનું કહીને છેતરપિંડીથી એનાલોગ પનીર પીરસશે અને તપાસ દરમિયાન આ બાબત સાબિત થશે, તો તેમની સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. આવી સ્થિતિમાં માત્ર ખાદ્ય સુરક્ષાના કાયદા જ નહીં, પરંતુ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસના આ કડક વલણને પગલે ભેળસેળિયાઓના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે અને સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ એક આવકારદાયક પગલું માનવામાં આવી રહ્યું છે.

(8:07 PM IST)