તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
અમદાવાદના મેમનગરમાં SP હોસ્ટેલમાં રહેતી 60થી વધુ વિધાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર : દોડધામ
તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાઈ :કેટલીક વિદ્યાર્થિનીઓને તાવ અને સતત વોમિટિંગની તકલીફ: અમુક વિદ્યાર્થિનીઓના બ્લડ પ્રેશરમાં પણ ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું

અમદાવાદના મેમનગરમાં આવેલી SP હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહેતી 60થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક લથડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલ રાતથી અત્યાર સુધી એક પછી એક વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
મળતી માહિતી મુજબ, હોસ્ટેલમાં જમ્યા બાદ વિદ્યાર્થિનીઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ હતી. 60થી વધુ વિદ્યાર્થિનીઓને ઝાડા, ઉલટી અને અતિશય નબળાઈ ની ફરિયાદ હતી. આ સમસ્યા એટલી વધી ગઈ કે ઘણી વિદ્યાર્થિનીઓને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી હતી. તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે શહેરની જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલીક વિદ્યાર્થિનીઓને તાવ અને સતત વોમિટિંગની તકલીફ છે, જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓના બ્લડ પ્રેશરમાં પણ ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું છે. હાલમાં, ગંભીર સ્થિતિમાં રહેલી કેટલીક વિદ્યાર્થિનીઓને ઈમરજન્સી વોર્ડમાં રાખીને સઘન સારવાર આપવામાં આવી રહી છે.
પોતાની દીકરીઓની તબિયત લથડ્યાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં વાલીઓ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી અને તેઓ હોસ્ટેલના મેનેજમેન્ટની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા હતા. આ ઘટનાએ હોસ્ટેલના મેસના ફૂડ ક્વોલિટી અને હાઈજીન પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
તબીબોના મતે, ફૂડ પોઈઝનિંગને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું હોવાથી વિદ્યાર્થિનીઓને નબળાઈ અનુભવાઈ રહી છે. જોકે, તમામ વિદ્યાર્થિનીઓને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે અને ડોક્ટર્સનું કહેવું છે કે મોટાભાગની દીકરીઓની સ્થિતિ સ્થિર છે. હાલ તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આખરે કયા ખોરાકને કારણે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ બીમાર પડી.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
