તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
સુરતાના કામરેજમાં ફાર્મહાઉસમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ: 30 જુગારીઓ ઝડપાયા: લાખોનો મુદામાલ જપ્ત
ફાર્મ હાઉસને ઈમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને જાફર રઝાક શેખ નામના શખ્સોએ ભાડે રાખ્યું હતું:મુખ્ય સૂત્રધાર ગણાતા અન્ય બે વ્યક્તિઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પોલીસની ટીમે એક ફાર્મ હાઉસ પર દરોડા પાડીને મોટા પાયે ચાલી રહેલા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનાએ ફાર્મ હાઉસના માલિકો અને આસપાસના રહીશોમાં ભારે ચર્ચા જગાવી છે. ઘટનાની ગંભીરતાને જોતા હવે પ્રોપર્ટી માલિકોએ પણ પોતાની મિલકત ભાડે આપતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે.
કામરેજ તાલુકાના મોરથાણા ગામમાં આવેલું 'મારબેલા ફાર્મ હાઉસ' હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફાર્મ હાઉસને ઈમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને જાફર રઝાક શેખ નામના શખ્સોએ ભાડે રાખ્યું હતું. આ ફાર્મ હાઉસની આડમાં તેઓ લાંબા સમયથી જુગારધામ ચલાવી રહ્યા હતા. બાતમીના આધારે સુરત જિલ્લા એલસીબી (LCB)ની ટીમે તાત્કાલિક અસરથી દરોડા પાડ્યા હતા.
પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને છાપો મારતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરોડા દરમિયાન કુલ 30 જુગારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર ગણાતા અન્ય બે વ્યક્તિઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પકડાયેલા મોટાભાગના જુગારીઓ સુરત શહેરના નાનપુરા અને લીંબાયત વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે:
- રોકડ રકમ: 4.25 લાખ રૂપિયા
- મોબાઈલ ફોન: 3.10 લાખની કિંમતના 33 નંગ મોબાઈલ
- વાહનો: કાર, રિક્ષા અને મોપેડ સહિત કુલ9 વાહનો
અંદાજે 29.85 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાદ સુરત પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ફાર્મ હાઉસ માલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની મિલકત ભાડે આપતી વખતે ભાડુઆતનું પૂરું વેરિફિકેશન કરે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ફાર્મ હાઉસનો ઉપયોગ કરનારાઓની માહિતી તાત્કાલિક પોલીસને આપવી જોઈએ. જો તમારી પ્રોપર્ટીમાં આવી કોઈ અસામાજિક પ્રવૃત્તિ પકડાય તો માલિક પણ કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પોલીસે જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ ડામવા માટે આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ અને દરોડાની કામગીરી ચાલુ રહેશે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
