તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારો માટે કેરોસીન વિતરણની નવી વ્યવસ્થા : રાજ્યને ૧૪૫૨ કિલોલિટર જથ્થાની ફાળવણી
પરિવાર દીઠ ૫ લિટર અને સંસ્થાઓને ૨૫ લિટર કેરોસીન અપાશે : પ્રતિ લિટર ૬૧.૪૦ થી ૬૬.૧૪ રૂપિયાનો ભાવ નિયત કરતી સરકાર

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ (LPG) ઉપરાંત કેરોસીનના વિતરણ માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેરોસીન ડીલર એસોસિયેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી આ વધારાની વિતરણ વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે.
જથ્થાની ફાળવણી અને જિલ્લાવાર વિતરણ
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ ૧૪૫૨ કિલોલિટર (KL) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ જથ્થામાંથી રાજ્યના તમામ જિલ્લાઓને સમાન રીતે ૩૬ કિલોલિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ કેરોસીનનો ઉપયોગ માત્ર રસોઈ બનાવવા માટે અથવા પ્રકાશની વ્યવસ્થા (ફાનસ વગેરે) માટે જ કરી શકાશે.
વિતરણના નિયમો અને પ્રાથમિકતા
ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવનારા આ વિતરણ હેઠળ પ્રત્યેક પરિવારને ૫ લિટર અને સંસ્થાઓને ૨૫ લિટર કેરોસીન આપવામાં આવશે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વિતરણ પ્રક્રિયામાં મોટા પરિવારો અને મોટી સંસ્થાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
ઓનલાઈન અરજી અને ટેકનિકલ વ્યવસ્થા
કેરોસીન મેળવવા માટેની અરજીઓ સ્વીકારવા માટે NIC દ્વારા એક ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. ગત સોમવારથી કાર્યરત આ પોર્ટલનું URL https://ipds.gujarat.gov.in/ છે. જિલ્લા સ્તરે જ્યારે ઓછામાં ઓછા ૧૨,૦૦૦ લિટર (એક ટેન્કર લોડ) કેરોસીનની ઓનલાઈન માંગણી નોંધાશે, ત્યારે તુરંત જ જે-તે તાલુકાના નિયત પેટ્રોલ પંપ પરથી વિતરણ શરૂ કરી દેવામાં આવશે.
સંગ્રહ અને ભાવ નિર્ધારણ
રાજ્યમાં કેરોસીનના સંગ્રહ માટે બરોડા અને પાલનપુર ખાતે બે મુખ્ય સ્ટોરેજ ડેપો નિયત કરવામાં આવ્યા છે. દરેક તાલુકામાં એક પેટ્રોલ પંપ પરથી કેરોસીન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રાન્સપોર્ટેશન અને અન્ય ખર્ચાઓને ધ્યાનમાં રાખીને કેરોસીનનો પ્રતિ લિટર ભાવ ૬૧.૪૦ થી ૬૬.૧૪ રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
